પરેશ દવે.અમદાવાદઃ દાહોદ જિલ્લામાં સમાજને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. એક પરિણીત મહિલાને પ્રેમ પ્રકરણ મામલે તાલિબાની સજા આપતો વીડિયો વાયરલ થતાં પોલીસે મહિલાનું રેસક્યું કરી 15 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી 12 ની ધરપકડ કરી છે. આ મામલાથી ઘણા લોકોના મન દુભાયા હતા. આ ઘટનાનો વીડિયો અને વાત સાંભળી તે મહિલાનું અપમાન અનુભવતા જ ઘણાઓએ પ્રતિક્રિયા આપી છે.
દાખલો બેસાડોઃ ચૈતર વસાવા
આ અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું કે, દાહોદમાં મહિલા સાથે જે કૃત્ય થયું તે અત્યંત ધૃણાસ્પદ છે. આ ઘટના જ્યાં બની ત્યાં મહિલાઓ, પદાધિકારીઓ સહિતનાઓ હશે છતા કોઈએ કેમ આ તાલીબાની સજાને રોકી નહીં. મારું નિવેદન છે સરકારને અને પોલીસ વિભાગને કે આ ઘટનામાં કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે. મામલો ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીઓને કડકમાં કડક સજા થાય અને દાખલો બેસાડવામાં આવે કે જેથી આવી ઘટના ફરી ના બને.
"સમાજે મોટા અવાજે કહેવું પડશે"
આ સમગ્ર ઘટના અંગે આનંદી સંસ્થાના સિનિયર કાર્યકર સેજલ દંડ દ્વારા આકરી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, મહિલા સાથે થતી આવી અમાનવીય હિંસાનો વિરોધ થવો જ જોઈએ. પોલીસ આવી કાર્યવાહી સામે સખત અને ત્વરિત કાર્યવાહી કરવી જોઈએ. પોલીસ કાર્યવાહી માટે ઉપયોગી નવા કાયદાની આવશ્યકતા હોય તો નવા કાયદા પણ બનાવવા જોઇએ. સમાજે પણ મોટા અવાજે કહેવું જોઇએ કે, મહિલાઓ સાથે આવી હિંસા ચલાવી નહીં જ લેવાય. આનંદી સંસ્થા અને દેવગઢ મહિલા સંગઠન તરીકે અમે મહિલા હિંસાનો વિરોધ કરીએ છીએ. અમે આ મહિલાને ન્યાય મળે અને દોષિતો સામે કાર્યવાહી થાય એવી માંગણી કરીએ છીએ.