કચ્છઃ વર્ષ 2024ને સંયુક્ત રાષ્ટ્રસંઘ UNESCO દ્વારા 'આંતરરાષ્ટ્રીય ઊંટ વર્ષ' તરીકે જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર ઊંટડીના દૂધ પર રાષ્ટ્રીય કક્ષાની 'કેમલ મિલ્ક કોન્ફરન્સ-2024' 10મી માર્ચે યોજાશે. આ કોન્ફરન્સમાં ઊંટડીના દૂધમાં રહેલા ગુણકારી તત્વો વિષે વિવિધ વૈજ્ઞાનિકો રિસર્ચ પર વક્તવ્ય આપશે. આ ઉપરાંત અન્ય એક સેશનમાં ભારતના નામાંકિત ડૉક્ટરો જે ઊંટડીના દૂધને પ્રિસ્ક્રાઈબ કરતાં હોય છે તે માહિતી આપશે. આ કાર્યક્રમમાં નેશનલ રીસર્ચ સેન્ટર ફોર કેમલ, બીકાનેર, રાજસ્થાન, કામધેનુ યુનિવર્સિટી, પશુપાલન વિભાગ, ગુજરાત રાજ્ય, સહજીવન, ઊંટ ઉછેરક માલધારી સંગઠન વગેરે જોડાશે.
ડૉક્ટર્સ કોન્ફરન્સમાં જોડાશેઃ આવતીકાલે યોજાનારી 'કેમલ મિલ્ક કોન્ફરન્સ 2024'માં ગુજરાત તથા કચ્છના વિવિધ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર્સ જોડાશે. આ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સાચી દિશામાં મેડિકલ વિભાગને સાથે રાખી અને કચ્છના ઊંટ ઉછેરકોના સામાજિક અને આર્થિક જીવન સ્તરને કેવી રીતે ઊંચું લાવી શકાય તે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, ઓટીઝમ તથા ટીબીના દર્દીઓના આરોગ્યમાં ઊંટડીના દૂધથી વધુમાં વધુ કેવો ફાયદો થાય છે તેની રજૂઆત કરવાનો છે.
વર્ષ 2017માં ઊંટડીના દૂધને બજાર મળ્યુંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2009માં સરહદ ડેરીની સ્થાપના થઈ. વર્ષ 2013થી કચ્છના ઊંટ ઉછેરકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં ઉન્નતિ માટે સરહદ ડેરી અને તેના ચેરમેન વલમજી હુંબલે પ્રયત્નો શરુ કર્યા. સરહદ ડેરી વર્ષ 2017થી ઊંટડીના દૂધનું સંપાદનનું કામ કરી રહી છે. આ ડેરીએ ઊંટડીના દૂધને ખાધ્ય પદાર્થ તરીકે FSSAIમાં માન્યતા અપાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો.
દરરોજ 5000 લીટર ઊંટડીના દૂધનું કલેક્શનઃ સરહદ ડેરી દ્વારા કચ્છમાં દરરોજ 5000 લીટર ઊંટડીના દૂધનું ઉત્પાદન અને પ્રોસેસિંગ થઈ રહયું છે. ઊંટડીના દૂધને દુર્ગંધ રહિત અને એસેપ્ટિક પ્લેન દૂધ, ફ્લેવર દૂધ, સુગર ફ્રી ચોકલેટ, આઈસ્ક્રીમ તથા પાવડર વગેરે અમુલ બ્રાન્ડ તળે બજારમાં મૂકવામાં આવ્યા છે. ભારતમાં સૌપ્રથમ વાર ઊંટડીના દૂધનો પ્રોસેસિંગ પ્લાન્ટની સ્થાપના કચ્છની સરહદ ડેરી દ્વારા કરવામાં આવ્યું છે. જે અમુલ બ્રાન્ડ તળે આ તમામ પ્રોડક્ટ તૈયાર થઈ અને માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
ટીબીના દર્દીઓ માટે ઉત્તમ ઔષધઃ ઊંટડીના દૂધમાં રહેલ ઈન્સ્લ્યૂલીન જેવું જ પ્રોટિન ઉપલબ્ધ છે. જેના લીધે ઊંટડીનું દૂધ આરોગતા ડાયાબિટીસના દર્દીઓને ઈન્સ્યુલીન લેવાની જરૂર રહેતી નથી. આ દૂધનો ફાયદો ખાસ કરીને ઓટીઝમ તથા ટીબીના દર્દીઓને પણ થાય છે. ઊંટડીના દૂધ પર અનેક પ્રકારના રીસર્ચ કરવામાં આવ્યા છે જે ઓનલાઈન ઉપલબ્ધ છે.
દેશની પ્રથમ કેમલ મિલ્ક કોન્ફરન્સઃ ભારત દેશની પ્રથમ કેમલ કોન્ફરન્સ 10 તારીખે ભુજના સ્મૃતિવન કચ્છ ખાતે યોજાશે. આ નેશનલ લેવલની કોન્ફરન્સમાં કચ્છમાંથી વિવિધ ડોક્ટરો જોડાશે અને કેમલ મિલ્ક પીવાથી થતાં ફાયદા અને આરોગ્યની દ્રષ્ટિએ તેના ગુણધર્મો અંગે જણાવશે. તારીખે રવિવારે સવારે 9.30 કલાકે અમૂલ GCMMFના વાઇસ ચેરમેન તથા સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલની અધ્યક્ષ સ્થાને યોજાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2009માં સરહદ ડેરીની સ્થાપના થઈ. વર્ષ 2013થી કચ્છના ઊંટ ઉછેરકોની આર્થિક અને સામાજિક સ્થિતિમાં ઉન્નતિ માટે સરહદ ડેરીએ સઘન પ્રયત્નો કર્યા. આ નેશનલ લેવલની કોન્ફરન્સમાં કચ્છમાંથી વિવિધ ડોક્ટરો જોડાશે અને કેમલ મિલ્ક પીવાથી થતાં ફાયદા અને આરોગ્યની દ્રષ્ટિએ તેના ગુણધર્મો અંગે જણાવશે...વલમજી હુંબલ(ચેરમેન, સરહદ ડેરી)