રાજકોટ: જિલ્લાનાં સર્વેશ્વર ચોકમાં ગત વર્ષે સપ્ટેમ્બર માસમાં વોકળા પરનો સ્લેબ તૂટી પડવાની દુર્ઘટના બની હતી, આ બાદ મનપાએ અહીં નવો વોકળો બનાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે કામ શરૂ થાય તે પહેલાં જ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવી જતાં કામ ત્રણેક મહિના પાછુ ઠેલાયું હતું. જોકે હવે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સર્વેશ્વર ચોકમાં આ વોકળા પર બોક્સ કલવર્ટથી નવો વોકળો બનાવવાની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જેને લઈને ચોમાસા પછી રૂપિયા 3.20 કરોડના ખર્ચે તૈયાર થનાર આ આધુનિક વોકળાની કામગીરી શરૂ કરવામાં આવશે. જોકે અહીં મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવા માટે કન્સલ્ટન્ટ નિમવાની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. જેને લઈને હવે અહીં મલ્ટી લેવલ પાર્કિંગ બનશે નહીં.
નવેસરથી વોંકળા ઉપર સ્લેબની કામગીરી: સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર, સર્વેશ્વર ચોક દુર્ધટના બાદ મનપા દ્વારા હવે નવેસરથી વોંકળા ઉપર સ્લેબ બનાવવા તેમજ યાજ્ઞીક રોડ ઉપરના રાજાશાહી વખતના નાલા(કલવર્ટ)ને ફરીથી બનાવવા માટે કામગીરી કરવામાં આવશે. જેમાં મેહુલ્સ કિચનથી રોડની બીજીબાજુ નાગરિક બેંક સુધી 130 મીટર લંબાઈ અને 9 મીટર પહોળાઈનું નવું નાલું બોક્સ કલવર્ટ સિસ્ટમાંથી બનાવવામાં આવશે. જેની ઊંચાઈ 2.5 મીટર રહેશે. આગામી બે દિવસમાં આ માટે અંદાજીત રૂપિયા 3.20 કરોડનો ખર્ચ થશે. ચોમાસા બાદ આ કામગીરી શરૂ થશે અને અંદાજે 24 મહિનામાં કામ પૂર્ણ કરવામાં આવશે.
અંદાજે 30 વર્ષ જૂનો સ્લેબ તૂટી પડયો હતો: તમને જણાવી દઈએ કે વાસ્તવમાં વાત એમ હતી કે, સર્વેશ્વર ચોકનો અંદાજે 30 વર્ષ જૂનો સ્લેબ તૂટી પડયો હતો. વોકળા ઉપરનો સ્લેબ જૂનો હોવાથી અકસ્માત સર્જાયા બાદ હાલ ત્યાં પતરા મારીને રસ્તા બંધ રખાયા છે. વોકળા ઉપર બનેલી ઈમારતમાં દુકાનો અને ઓફિસો પણ બંધ રખાવવામાં આવી છે. આ સ્લેબ નવો બનાવવા માટે મનપા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં યાજ્ઞીક રોડના નાગરિક બેંકની ઈમારત પાસેથી નાલું બની ન જાય ત્યાં સુધી બંધ કરવો પડે તેમ હોવાથી વૈકલ્પીક રસ્તા શોધવામાં આવી રહ્યા છે. જોકે એસ્ટ્રોન પાછળથી રસ્તો નિકળે છે અને સરદારનગરમાંથી પણ જાગનાથમાં જવા માટે ડાયવર્ઝન કાઢી શકાય તેમ છે. હાલ આ માટે અભ્યાસ ચાલી રહ્યો છે.
ગત વર્ષે મહિલાનું મોત નિપજ્યું હતું: ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે ગણપતિ ઉત્સવ સમયે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા સર્વેશ્વર ચોક વોકળા પરનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં એક મહિલાનું મોત નિપજ્યું હતું. જેને લઇને તંત્ર હરકતમાં આવ્યું હતું અને આખું બિલ્ડીંગ વોકળા પર હોવાથી સ્ટેબિલીટી રિપોર્ટ ન આવે ત્યાં સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો. તેમજ અવરજવર બંધ કરવા માટે પતરા લગાવી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો હવે આખું નાલું નવેસરથી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ માટેની કામગીરી ચોમાસા બાદ શરૂ કરવામાં આવનાર છે.