કચ્છ: શહેરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે રાજકીય પક્ષોએ અને ઉમેદવારોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધા છે જેના ભાગરૂપે આજે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં બાઈક રેલી તેમજ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કચ્છ જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું.
સંમેલનમાં કોણ કોણ રહ્યુ હાજર: કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારો, 6 વિધાનસભા બેઠકના ધારાસભ્યો, કાર્યકર્તાઓ તેમજ 2000 જેટલા બુથના કાર્યકર્તાઓ આજે બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત રહ્યાં હતાં જ્યાં પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ બુથ લેવલે કાર્યકર્તાઓ અને પેજ સમિતિ દ્વારા વધુમાં વધુ મતદાન થાય અને જેમ કચ્છમાંથી કોંગ્રેસનો સફાયો થયો છે અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને વિધાનસભા બેઠકો પર ભાજપનું શાસન છે તેવી રીતે 5 લાખ નહીં પરંતુ 7 લાખ મતની લીડથી કચ્છ લોકસભા બેઠકના ઉમેદવારને વિજય બનાવવાનું છે તેવું કાર્યકર્તાઓને જણાવ્યું હતું.
સી.આર.પાટીલે આપ્યુ વિશેષ માર્ગદર્શન: કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કચ્છ લોકસભા સીટનું આજે બુથ કાર્યકર્તા સંમેલન યોજવામાં આવ્યું હતું. 2000 જેટલા બુથ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે કહ્યુ કે, આવનારા સમયમાં કાર્યકર્તાઓ બુથને મજબૂત કરે અને મતદાનના દિવસે બુથ પર હાજર રહીને સૌ કાર્યકર્તાઓ મતદારોને મતદાન કરાવવા માટે સાથે લઈ જાય અને પેજ સમિતિની એક વ્યૂહ રચના ઘડવામાં આવે.
કચ્છ લોકસભા બેઠક 7 લાખ મતથી જીતવા કરી અપીલ: કચ્છ જિલ્લા ભાજપના આગેવાનો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા ત્યારે ગુજરાતની 26 એ 26 લોકસભાની બેઠકો જીતીને હેટ્રીક મારવાની છે તેના માટે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. દરેક બેઠક પર 5 લાખ મતોની લીડથી જીતવાનુ છે ત્યારે કચ્છ લોકસભા બેઠક 7 લાખ મતોની લીડથી જીતી શકાય તેવું જણાવ્યું હતું. સી.આર.પાટીલે કચ્છના કાર્યકર્તાઓ પર વિશ્વાસ મૂક્યો છે અને જે રીતે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું છે તે રીતે ચોક્કસથી કચ્છ લોકસભા બેઠક પર ભાજપનો જંગી વિજય થશે.
ભાજપને મતદારોનો સહકાર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દેશની અંદર જે રીતે લોકપ્રીયતા છે તે રીતે ગુજરાતની અંદર લાંબા સમયથી તેઓએ મુખ્યપ્રધાન તરીકે સેવા આપી ત્યારે કચ્છની અંદર પણ સવાયા કચ્છી તરીકે લોકોની ચિંતા કરી છે અને 2001ના ભૂકંપ બાદ કચ્છના પુનર્વસનમાં તેમનું યોગદાન રહ્યું છે. કચ્છના છેવાડાનો માનવી પણ આજે નરેન્દ્ર મોદીને પ્રેમ કરે છે. કચ્છની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, વિધાનસભાની ચૂંટણી ભાજપના ઉમેદવારો જીત્યા છે તો ભાજપના બુથ કાર્યકર્તાઓ જે રીતે કાર્ય કરે છે તે રીતે પેજ સમિતિ પણ મજબૂત બની છે. જે પ્રમાણે મતદારોનો સહકાર ભાજપને મળી રહ્યો છે તે રીતે જોતાં આ લોકસભાની ચુંટણીમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત છે.