સુરત: શહેરના અન્ય વિસ્તારોમાં જે પનીર 400થી 500 રૂપિયા કિલો મળે છે તે પાંડેસરા અને ઉધના વિસ્તારમાં માત્ર 150થી 180 રૂપિયા કિલો વેચાય છે. અન્ય વિસ્તારો કરતા આ વિસ્તારમાં વેચાતા પનીરના ભાવમાં શા માટે આટલો ફરક છે તે પ્રશ્ન ચોક્કસ ઉભો થાય છે. આ પ્રશ્ન થાય છે તે દરમિયાન આ જ વિસ્તારમાંથી સુરત મહા નગર પાલિકાના આરોગ્ય વિભાગે 230 કિલો શંકાસ્પદ અખાદ્ય પનીર ઝડપી તેને ટેસ્ટિંગ માટે લેબમાં મોકલી આપ્યું છે.
14 દિવસમાં રિપોર્ટ આવશેઃ આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના અધિકારી જગદીશ સાલુંકેએ જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે ટ્રકની અંદર અખાદ્ય પનીરનો જથ્થો છે. જેની તપાસ કરતા શંકાસ્પદ અને અખાદ્ય 230 કિલો પનીરનો જથ્થો મળી આવેલ છે. આ જથ્થામાં ભેળસેળ જણાશે તો અમે કાર્યવાહી કરીશું. હાલ પનીરને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે 14 દિવસ બાદ રિપોર્ટ આવ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે આપણને વલસાડથી મોકલવામાં આવ્યું હતું.
પનીર અસલી છે નકલી ખબર નથી: જે ટ્રકમાં આ પનીર વલસાડથી મોકલવામાં આવ્યું હતું તેના ડ્રાઈવર ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, પનીર અખાદ્ય છે કે નહીં? આ અંગે મને માહિતી નથી. મને વિષ્ણુ નામના વ્યક્તિએ પનીર સુરત લઈ જવા માટે કીધું હતું. જેથી તેમના કહેવા પર હું આ પનીર સુરત લઈને આવ્યો છું. હું ડ્રાઇવર છું અને આ પનીર અસલી છે કે નકલી તે અંગે મને કોઈ પણ જાણકારી નથી. અગાઉ પણ વલસાડ થી હું આવી જ રીતે પનીર લઈ આવ્યો હતો.