સુરત: ઓલપાડ તાલુકાના કુડસદ ગામે કીમ-માંડવી રોડ પાસે આવેલા રણછોડ નગરમાંથી ગઈકાલે આશરે 5 વાગ્યા આસપાસ 13 વર્ષીય સત્યમ મિશ્રા અને 15 વર્ષીય કરણ કુશવાહા નામના બે કિશોરો ગુમ થઈ ગયા હતા. ગુમ થયાની જાણ થતાં જ કીમ પોલીસ અને પરિવારજનો બંને કિશોરોની શોધખોળમાં લાગી ગયા હતા. કીમ પોલીસે બંને સગીરોના અપહરણની ફરિયાદ પણ નોંધી હતી. જોકે આજરોજ બંને કિશોરોના મૃતદેહ ઓલપાડના ભાદોલ અને કાછબ ગામે અલગ અલગ જગ્યાએથી કેનાલના પાણીમાં તરતા મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
સાયકલ હજુ મળી નથી: બંને કિશોરો ગુમ થયા બાદ શોધખોળ ચાલી રહી હતી.આ દરમ્યાન મૃતક કરણ કુશવાહાની બહેને પિતા રાજેશ કુશવાહાને બંને કિશોરો સાયકલ લઈ નાહવા ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી પરિવારના લોકો તેમજ પોલીસ આજુબાજુના વિસ્તારમાં તળાવ તેમજ નહેરોની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા.
મૃતદેહ તરતી હાલમાં મળી આવ્યા: નેશનલ હાઇવે 48 પાસે આવેલા પિપોદ્રા ગામ પાસેની કેનાલમાં ઉતરવાના દાદર પાસેથી બંને કિશોરોના કપડાં અને ચપ્પલ મળી આવ્યા હતા.આજે વહેલી સવારથી કેનાલમાં કિશોરોની શોધખોળ ચાલી રહી હતી. ત્યારે ઓલપાડ તાલુકાના ભાદોલ ગામે અને કાછબ ગામેથી બંનેના મૃતદેહ તરતી હાલમાં મળી આવ્યા હતા. જોકે કિશોરો જે સાયકલ લઈને નીકળ્યા તે સાયકલ હજુ મળી નથી.
કીમ પોલીસ મથકના પીએસઆઈ વી.આર ચોસલાએ જણાવ્યું હતું કે, બાળકો ગૂમ થયા હોવાની ફરિયાદ ગત રોજ કિમ પોલીસ મથક ખાતે નોંધાઇ હતી.પોલીસે બંને બાળકોને શોધવા તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન આજે અલગ અલગ જગ્યાએ નહેરમાં બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.