ગાંધીનગર: સાળંગપુર ખાતે ભાજપની વિસ્તૃત પ્રદેશ કારોબારીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું. આજે ભાજપને નવા કાર્યકારી પ્રમુખ મળે તેવી સંભાવના છે. સી.આર. પાટીલે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક 156 સીટ મળવા બદલ અને લોકસભા ચૂંટણીમાં ઐતિહાસિક પ્રદર્શન બદલ કાર્યકરોને અભિનંદન આપ્યા હતા. તેમણે પોતાની કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજે તેવી ભાવના વ્યક્ત કરી હતી. સાળંગપુરની પવિત્ર અને આધ્યાત્મિક ભૂમિમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિસ્તૃત પ્રદેશ કારોબારીનું આયોજન કરાયું છે. છેલ્લા બે દિવસથી સતત કારોબારીની અંદર પ્રદેશના અનેક કાર્યકર્તાઓએ ભાગ લીધો છે. ગઈકાલે સાંજે કારોબારીની શરૂઆત બે સત્રથી થઈ હતી. બાદમાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કારોબારીનું સમાપન થયું હતું.
કાર્યકારીઓની કામગીરીને બિરદાવી: શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પિયુષ ગોયલ કારોબારીમાં હાજર રહ્યા હતા. કારોબારી બેઠકની શરૂઆત ભાજપના ધ્વજારોહણથી કરાઈ હતી. સી.આર. પાટીલે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું. સી.આર. પાટીલે જણાવ્યું કે, ચાર વર્ષ સુધી કાર્યકર્તાઓનો સાથ અને સહકાર મળ્યો છે. કાર્યકર્તાઓની કામગીરી બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં ઐતિહાસિક જીત મળી હતી. તે બદલ કાર્યકર્તાઓને પણ અભિનંદન આપ્યા હતા. લોકસભામાં ત્રીજી વાર ગુજરાતમાં ઐતિહાસિક જીત ભાજપે મેળવી છે.
સી.આર.પાટીલે આપ્યું મોટું નિવેદન: સી.આર.પાટીલનું મોટુ નિવેદન આવ્યુ છે. તેમણે જણાવ્યું કે, આપણે નિર્ણય કર્યો હતો કે, એક વ્યકિત એક હોદ્દો. મેં હાઇકમાન્ડને કહ્યું છે કે, જવાબદારીમાંથી મને મુક્ત કરો. અન્ય કોઇ કાર્યકરને પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવે. 4 વર્ષમાં 29 દિવસ મને કામ કરવાની તક મળી છે. હવે મને કેન્દ્રની જવાબદારી મળી છે અને મારો અહીં કાર્યકાળ પૂરો થયો છે. આગામી સમયમાં નવા પ્રમુખ આવશે. મારી કોઈ ભુલ થઈ હોય તો મને માફ કરજો.
બેઠકમાં નેતાઓના ફોન સ્વીચ ઓફ કરાયા: બેઠકમાં ગુજરાત ભાજપના મહામંત્રી રજની પટેલ બોલ્યા કે, અંદરની વાતો લીક ન કરો, આપણે અહીં જે વાતો કરી રહ્યા છે એ આપણા કાર્યકર્તાઓ પૂરતી જ છે, બહાર ન મોકલો. કારોબારી બેઠકમાંથી પાટિલના સંબોધનની વાત બહાર આવી હતી. બાદમાં ભાજપ નેતાઓના ફોન સ્વીચ ઓફ કરાવવામાં આવ્યા હતા.
શબ્દશરણ તડવીએ અભિનંદન પ્રસ્તાવ રજૂ કર્યો: શબ્દશરણ તડવી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન બનતા અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. મોદી સરકારે છેવાડાના ગામ સુધી જન કલ્યાણની યોજનાઓ પહોંચાડી છે. ભારત દેશ દુનિયામાં વિકસિત અને અગ્રેસર બનવા જઈ રહ્યો છે. શબ્દસરણ દ્વારા મૂકવામાં આવેલા અભિનંદન ઠરાવને પાંચ મંડળના અધ્યક્ષોએ ટેકો જાહેર કર્યો હતો. આ ઠરાવને ટેકો દરેક કાર્યકર્તા અને નેતાઓએ આપ્યો હતો. ત્યારબાદ સમગ્ર કારોબારીએ આ પ્રસ્તાવને પાસ કર્યો હતો.