બનાસકાંઠા: જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાંથી વર્ષ 2016માં વિભાજન થઈને અસ્તિત્વમાં આવેલી લાખણીની મહાત્મા ગાંધી માર્કેટની પ્રથમ બોડી નોમીનેટ થઈ હતી. અને ત્યારબાદ તમામ બેઠકો બિન હરીફ થતાં ચૂંટણી યોજવાની જરૂરિયાત થઈ નહોતી અને આ વખતે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અસ્તિત્વમાં આવ્યા બાદ ચૂંટણી યોજાઇ રહી છે.
લાખણી APMCમાં ચૂૂંટણી: 1983 મતદારો ધરાવતી લાખણી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 21 ઉમેદવાર અને વેપારી વિભાગની 4 બેઠક માટે 6 ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા. જેની મંગળવારને સવારના 9 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચૂંટણી માટે મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂત વિભાગના 1958 મતદારોમાથી 1940 મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વેપારી વિભાગના 25 મતદારોમાં તમામ મતદારોએ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
ભાજપ સમર્થિત પેનલે 2 બેઠકો ગુમાવી: લાખણી ખાતે યોજાયેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કુલ 1983 મતદારોમાથી 1965 મતદારોએ મતદાન કર્યું હતું. મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મતપેટીઓને સીલ કરીને લાખણી ખાતે આવેલી ટ્રેઝરી કચેરી ખાતે તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે સવારથી લાખણી APMCમાં મતગણતરી ચાલુ થઇ હતી. જેમાં APMCમાં ભારે રસાકસી બાદ 2 બેઠકો ભાજપ સમર્પિત પેનલે ગુમાવી છે.
ખેડૂત વિભાગની 8 બેઠકો ઉપર ભાજપ વિજેતા: ખેડૂત વિભાગની 10 બેઠકોમાંથી 8 બેઠક ઉપર ભાજપ સમર્પિત પેનલના ઉમેદવાર વિજેતા થયા હતા. તેમજ બાકીની 2 બેઠકો ઉપર પરિવર્તન પેનલના ઉમેદવાર વિજેતા બન્યા હતા. વેપારી વિભાગના 4 ડિરેક્ટર ભાજપ સમર્પિત પેનલના ઉમેદવારો વિજેતા બન્યા હતા. જેમાં લાખણી માર્કેટયાર્ડની ટોટલ 14 બેઠકોમાંથી 2 બેઠક ઉપર પરિવર્તન પેનલનો વિજય થતા ભાજપના વિરુધ્ધ ભાજપ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
આ પણ વાંચો: