જૂનાગઢ: લોકસભાની ચૂંટણીનો પ્રચાર હવે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે આજે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો હીરાભાઈ જોટવા અને રાજેશ ચુડાસમા ઉના વિધાનસભા મત વિસ્તારમાં તેમનો પ્રચાર કરી રહ્યા છે આવા સમયે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનુ નિવેદન સામે આવ્યું છે તેમણે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ પર આક્ષેપ કર્યો છે તો તેના જવાબમાં પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે કાળું રાઠોડનુ નિવેદન ગંભીરતાથી લેવા જેવું ક્યારેય હોતું નથી એવું જણાવીને તેમના નિવેદનને રદીયો આપ્યો છે.
લોકસભાનું ચૂંટણી પ્રચાર આગળ વધ્યો: જુનાગઢ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર ધીમે ધીમે આગળ વધી રહ્યો છે કોંગ્રેસના હીરાભાઈ જોટવા અને ભાજપના રાજેશ ચુડાસમા જુનાગઢ લોકસભા મત વિસ્તારમાં આવતી સાત વિધાનસભામાં ગ્રામ્ય લેવલેથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી છે, જેમાં આજે બંને ઉમેદવારો ઉના વિધાનસભાના ગામડાઓમાં પ્રચાર કરી રહ્યા છે. આવા સમયે ઉનાના ભાજપના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડનું જાહેર મંચ પરથી પુંજાભાઈ વંશને લઈને નિવેદન સામે આવ્યું છે. કાળુભાઈ નિવેદનમાં જણાવે છે કે, પુંજાભાઈ વંશ બે ચૂંટણીમાં હાર બાદ ફરી એક વખત કોંગ્રેસનો પ્રચાર કરી રહ્યા છે આવા સમયે તેઓ કોંગ્રેસ જાહેર કરેલા સક્ષમ અને આર્થિક રીતે મજબૂત ઉમેદવાર હીરાભાઈ જોટવા પાસેથી પાછલી ચૂંટણીમાં જે ખર્ચ થયો છે તેમાંથી વળતર મેળવવા માટે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યા છે આવું સનસનીખેજ નિવેદન આપ્યું હતું.
પુંજાભાઈ વંશે નિવેદનને રદીયો આપ્યો: કાળુભાઈ રાઠોડ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેનો પુંજાભાઈ વંશે રદીયો આપ્યો છે અને જણાવ્યું છે કે કાળુભાઈ રાઠોડ ગમે ત્યારે ગમે તે બોલવા માટે ટેવાયેલા છે. તેમના કોઈ પણ નિવેદનનું મહત્વ ક્યારેય હોતું નથી. આ વખતે પણ તેમણે જે નિવેદન આપ્યું છે તેનો રદિયો આપીને કાળુભાઈ રાઠોડના નિવેદનને પ્રોત્સાહન આપવા બરાબર ગણાવ્યુ છે.
રાજેશ ચુડાસમા 16 મી તારીખે ભરશે ફોર્મ: તો બીજી તરફ ભાજપના જાહેર કરેલા ઉમેદવાર અને સતત ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક પર લડી રહેલા રાજેશ ચુડાસમા પણ આજે ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. તેમણે જાહેર મંચ પરથી આગામી 16મી તારીખે તેઓ ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યા છે જેને લઈને પાર્ટીના કાર્યકરો અને મતદારો ખૂબ મોટી સંખ્યામાં ઊમટીને ચૂંટણી પૂર્વે જ ભાજપની જીતને સુનિશ્ચિત કરે તેવી કાર્યકર્તાઓ અને મતદારો સમક્ષ અપીલ પણ કરી હતી. ભાજપે હજી સુધી પક્ષના સત્તાવાર ઉમેદવારો ફોર્મ ક્યારે ભરશે તેને લઈને કોઈ આધિકારીક જાહેરાત કરી નથી પરંતુ રાજેશ ચુડાસમા 16મી તારીખે જુનાગઢ લોકસભા બેઠક પર ફોર્મ ભરવા આવશે તેવું તેમણે સ્વયંમ જાહેર મંચ પરથી કહી રહ્યા છે.