ભાવનગર: ચોમાસુ માથે છે અને ડેમોમાં નવા નીર આવવાના છે. જો કે નવા ચેકડેમો કે ડેમોમાં નવા નીર આવે એટલે હરખની હેલી જરૂર દરેક વ્યક્તિને આવે છે. ડેમમાં પાણી ભરાયેલું સુંદર અને રળિયામણુ જરૂર લાગે છે. પરંતુ તેની પાછળ કેટલી કરામત અને કેટલી માથાકૂટ હોય છે, તે તો સરકારનો એકમાત્ર વિભાગ જાણતો હોય છે. ચાલો જાણીએ કે કઈ રીતે આ ડેમની જાળવણી ચોમાસા પહેલા કરવાની હોય છે.
ડેમ અને હાલમાં પાણીની સ્થિતિ શુ ? ઉનાળાની આકરી ગરમીમાં પાણી બાષ્પીભવન થઈને ઉડી જતું હોય છે, તેટલા માટે ઉનાળામાં ચેકડેમ, તળાવો અને ડેમોમાં તળિયા દેખાઈ જતા હોય છે. ત્યારે ભાવનગર જિલ્લાના સિંચાઈ વિભાગ હેઠળના ડેમોને લઈને સિંચાઈ વિભાગના અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લાના સિંચાઈ વિભાગ પાસે કુલ સાત ડેમો આવેલા છે.જેમાં શેત્રુંજીમાં 17 ટકા એટલે કે 15 ફૂટ પાણી જુલાઈ સુધી ચાલે એટલું છે. જ્યારે ખારો ડેમમાં 6 ટકા, રજાવળમાં 1 ટકો, લાખણકામાં 4 ટકા, હમીરપરામાં 0, હણોલમાં 1 ટકો અને જસપરા માંડવામાં 7 ટકા પાણી છે. સિંચાઈ માટેનું પાણી અપાઈ ચૂક્યું છે.
ચોમાસા પહેલા ડેમમાં શુ થાય કામગીરી: ચોમાસા પહેલા સરકારના સિંચાઈ વિભાગ હસ્તકના ડેમોમાં શું કામગીરી કરવાની હોય તેને લઈને સિંચાઈ વિભાગના અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે, ખાસ કરીને સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પૂર્વે દરવાજાના દરેક મશીનોમાં ગ્રીસ લગાવવાની કામગીરી કરવી પડે છે. આ સાથે દરેક મશીનરીને ચેક પણ કરવી પડે છે. ડેમના પાળા ઉપર ઉગેલી દરેક વનસ્પતિઓને હટાવવી પડે છે. જેથી કરીને પાળો મજબૂત બન્યો રહે. ત્યારે ચોમાસાને લઈને ભાવનગર સિંચાઈ વિભાગે આ કામગીરી કરી લીધી છે.
કામગીરીના થાય તો ઘટનાના સંકેત ચોમાસામાં વધે: ચોમાસા પહેલા ડેમની મરામત કરવી ખૂબ જરૂરી બની જાય છે, તેના દરવાજાઓ અને મશીનરીને ખાસ ચેક કરવી પડે છે. જો કે તેવું કરવામાં ન આવે તો મુશ્કેલીનો સામનો કરવાનો સમય આવે છે. સિંચાઈ વિભાગના અધિકારી એ એમ બાલધીયાએ જણાવ્યું હતું કે જો આ રીતની સર્વિંગ તેમજ જરૂરી ડેમની કાર્યવાહી ન કરવામાં આવે તો ભવિષ્યમાં ડેમના જાહેર સંચાલન કરવાનું થાય ત્યારે મુશ્કેલીઓ પડી શકે છે.