ભાવનગર : ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં આવેલા માઢિયા ગામ ફોરલેન અમદાવાદ હાઇવે ઉપર આવેલું ગામ છે. છતાં અનેક ઘરો છતાં પાણીએ પાણી વિહોણા છે. માઢિયા ગામમાં છેવાડે આવેલા ઘરો પાણી વગર વલખા મારી રહ્યા છે. અહીં મહિલાઓ કહે છે કે અમારે ચાલીને 1 કિલોમીટર જવું પડે અને બીજા પાસેથી માગીને લાવવુ પડે છે, એમાંય હવે પાણીની ના પાડે છે લોકો. પુરુષો વાહનો લઈને કેરબા પાણી લઈ આવે પણ એમાં પૂરું કઇ રીતે પડે.
20 દિવસથી પાણીની સમસ્યા : ભાવનગર શહેરથી અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર આવેલા માઢીયા ગામમાં છેલ્લા 20 દિવસથી પાણીની સમસ્યા ગામના છેવાડા વિસ્તારમાં રહેતા લોકો ભોગવી રહ્યા છે. એકથી લઈને બે કિલોમીટર સુધી ચાલીને પાણી લાવવું પડી રહ્યું છે. ત્યારે ગામ લોકો દ્વારા સરપંચ સામે રોષ ઠાલવવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે સરપંચને કારણ પૂછવામાં આવ્યું તો લોકોની પાણીની સમસ્યાનું ચોંકાવી દેતું કારણ હોવાનું સામે આવ્યું હતું.
મહિલાઓની હૈંયાવરાળ : ભાવનગર અમદાવાદ ધોલેરા હાઇવે ઉપર આવેલા માઢીયા ગામમાં ગામના છેવાડા વિસ્તારના લોકોને પાણીનું પ્રેસર નહી હોવાને કારણે છેલ્લા 20 દિવસથી અન્ય સ્થળેથી પાણીની વ્યવસ્થા કરવી પડી રહી છે. ત્યારે ત્યાંની સ્થાનિક મહિલાઓએ પોતાની સમસ્યાને વર્ણવી હતી.
કોઇ કાઈ ધ્યાન દેતા નથી. એક મહિનાથી પાણી આવતું નથી. અમે જાય તો ધ્યાન ના દે, ફોન કરી તો ફોન નો ઉપાડે, માલઢોર તરસ્યા છે, જોઈ જાવ અમારા ઘરમાં એક છાંટો પાણી નથી. ઘરવાળા બિચારા વાહનો લઈ લઈને પાણીના કેરબા લઈ પાણી ભરવા જાય છે. એક એક કેરબે પાણી અમે શું કરીયે...જશુબેન (સ્થાનિક, માઢિયા ગામ )
પાણી મહિના દિથી આવતું નથી. કોઈને ત્યાં ભરવા જાય તો ભરવા નથી દેતા. પાણી આવે તો ચાલુ રાખવી તો પાણી ન આવે બે બે ત્રણ ત્રણ મોટરો ચાલુ રાખે જો બંધ કરે તો પાણી આવે ને અમારે. ભરવા નથી દેતા કોઈ અમને...ભાવુબેન (સ્થાનિક, માઢિયા ગામ )
સરપંચે જણાવી સમસ્યાની જડ : માઢીયા ગામમાં પાણી તો આવે છે, પરંતુ જે વિસ્તારોમાં પાણી નથી આવતું તેવા અંદાજે 30 થી 40 ઘર હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પાણીની મોટર મુકવા છતાં પણ પાણી આવતું નથી. આ મુદ્દે અમે ગામના સરપંચ સાથે વાતચીત કરી હતી. ગામના સરપંચ બિપિન માનસંગભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે હાલ તો મુખ્યત્વે કારણ એ છે કે બે વર્ષ અગાઉ મારે સમ્પ બનાવ્યો છે. જે પંચાયત માટે. જે અમે વિતરણ કરી શકીએ ગામની બજારમાં પણ, હાલ અમને આપેલો જ નથી.
બે વર્ષથી અમને સમ્પ આપેલો જ નથી અને એમાં કામ પણ હજી પેન્ડિંગ છે જેથી અત્યારે જે પાણીની વિતરણ વ્યવસ્થા છેે તે વલભીપુર પાણીપૂરવઠાને ત્યાંથી સીધું પાણી વિતરણ થાય છે. પંચાયતની કોઈ પણ ભૂમિકા નથી. એમના તરફથી થાય છે. અમે બે વર્ષથી રજૂઆત કરીએ છીએ. પંચાયત કરી શકે અને ઘરે ઘરે સુધી પાણી પહોંચાડી શકે પણ અમારી રજૂઆત કોઈ સાંભળતા નથી. આપ જોઈ શકો છો કે હજી સમ્પ બે વર્ષથી ખાડામાં પડ્યો છે અને કોઈપણ મોટર નાખવામાં નથી આવી કે લાઈટ કનેકશન આપવામાં આવ્યું નથી...બિપિન ચુડાસમા (સરપંચ, માઢિયા ગામ )
અધિકારીનો જવાબ જોઇ લો : પાણી પુરવઠા વિભાગની શું બેદરકારી ? માઢીયા ગામમાં દરેક ઘરો સુધી પાણી નહીં પહોંચવાનું કારણ જ્યારે સરપંચે અમારી સમક્ષ રજૂ કર્યું ત્યારે પાણી પુરવઠા અધિકારી પરેશ મકવાણા સાથે ટેલીફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું કે તેમની જે કોઈ સમસ્યા હોય તે નાકાઈને જણાવી શકે છે, તેઓ રજૂઆત કરે ત્યારબાદ તેનો નિવેડો આવી જશે. જો કે અધિકારીએ પોતાના બચાવમાં જવાબ તો આપી દીધો પરંતુ સવાલ એ છે કે માઢિયા ગામમાં પાણી પુરવઠાનો સમ્પ હોય અને ગામનો પણ સમ્પ છેલ્લા અઢી વર્ષથી તૈયાર હોવા છતાં શરૂ કેમ નથી થયો. ત્યારે આ તંત્રની બેદરકારીને પગલે આજે છેલ્લા અઢી વર્ષથી ગામના કેટલાક વિસ્તારો બારેમાસ પાણી વગર સમસ્યા અનુભવી રહ્યા છે.