ભાવનગર : વાળુકડ ગામે ચકચારી લૂંટ વિથ મર્ડરનો બનાવ સામે આવ્યો છે. સુરતના રહેવાસી પિતા-પુત્રોને જમીનના સોદા માટે બોલાવી આરોપીએ અન્ય ચાર શખ્સ સાથે મળી ઢોર માર મારી 1.10 કરોડ લૂંટી લીધા હતા. આ બનાવમાં એક યુવકનું મોત નિપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત પિતા-પુત્રને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પૂર્વ આયોજિત કાવતરું કરી પિતા-પુત્રોને માર મારી હત્યા નીપજાવી લૂંટ કરનાર આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
શું હતો મામલો ? આ અંગે મળતી વિગત અનુસાર લાભુભાઈ જીવરાજભાઈ સવાણી વાળુકડ ગામે રહે છે. જ્યારે મૂળ સુરતમાં રહેતા તળશીભાઈ સવજીભાઈ લાઠીયા વાળુકડ ગામે તેમના બહેનના ઘરે આવ્યા હતા. ત્યારે લાભુભાઈના સંપર્કમાં આવ્યા બાદ જમીન લે વેચ માટે ભાગીદાર બન્યા હતા. ગત 21 જાન્યુઆરીના રોજ વાળુકડ ગામે 5 કરોડની જમીનના સોદા માટે તળશીભાઈ લાઠીયા અને તેના પુત્ર વિપુલ અને નિલેશને લાભુભાઈએ બોલાવ્યા હતા. વાળુકડ પહોંચ્યા બાદ ભોજન કરાવીને આરોપી ભાગીદારે પિતા-પુત્રોને વાડીએ લઈ જઈ રૂમમાં બેસાડ્યા હતા.
યુવકનું મોત : ત્યારબાદ ભાગીદાર લાભુભાઈના પુત્ર દર્શન અન્ય ચાર શખ્સ સાથે મળી વિપુલ અને નિલેશને બાંધીને વાયર અને ધોકા વડે માર માર્યો હતો. બાદમાં આરોપીઓ તેમને ખોલીને ત્યાંથી જતા રહ્યા હતા. આથી તળશીભાઈ અને નિલેશે વધુ ઇજા પામેલા વિપુલને ભાવનગર સર ટી હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે યુવકને તપાસીને મૃત જાહેર કર્યો હતો. ઈજાગ્રસ્ત તળશીભાઈ અને તેમનો પુત્ર વિપુલ સારવાર હેઠળ છે. ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને મર્ડરની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદ : વાળુકડ ખાતે તળશીભાઈ લાઠીયાને 5 કરોડની જમીન ભાગીદારીમાં લેવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં 4 કરોડ લાભુભાઈ સવાણીના ભાગે આવ્યા હતા. જ્યારે 1.10 કરોડ તળશીભાઈ લાઠીયાના ભાગે આવ્યા હતા. જેમાં તળશીભાઈ લોન લઈને અને ઘરેણા વગેરે વેચીને 1.10 કરોડ લાવ્યા હતા. પરંતુ ભાગીદારે પૂર્વ આયોજિત કાવતરું રચી આ ગુનાને અંજામ આપ્યો હતો. આ મામલે ભોગ બનનારે આરોપીઓ વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પૂર્વ આયોજિત કાવતરું ? તળશીભાઈએ વરતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લાભુભાઈ સવાણી અને તેના પુત્ર દર્શને પૂર્વ આયોજિત કાવતરું કર્યું હતું. જેમાં તેમને વાળુકડ બોલાવવામાં આવ્યા હતા. તેની પાછળનું કારણ એકાદ વર્ષ પહેલાની લાભુભાઈ જીવરાજભાઈ સવાણી અને હીરાભાઈ નાકરાણી તેમજ લાભુભાઈ જીવરાજભાઈ સવાણી સાથેની ભાગીદારી હતી. તેમણે સુરતમાં જમીન લે વેચનો વ્યવસાય શરૂ કર્યો હતો. જેમાં સુરતના કામરેજના એક વ્યક્તિ પાસેથી જમીન ખરીદી કરી 75 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારબાદ લેવલિંગ કરીને ખર્ચ સંપૂર્ણ 90 લાખ જેવો થયો હતો. પરંતુ સોદો કેન્સલ થતા જમીન માલિક પાસેથી અમે રકમ પરત માગી હતી. તેની દાઝ રાખીને લાભુભાઈ સવાણી અને તેના પુત્ર દર્શને આ કાવતરું રચ્યું હતું.