ભાવનગરઃ શેરી-ગલીઓમાં ક્રિકેટ રમતા બાળકો માટે ક્રિકેટ મનોરંજનનું સાધન હોય છે. જો કે શેરી-ગલીમાં પણ એક સારો ક્રિકેટર છુપાયેલો છે. આ બાબતનો ખ્યાલ ત્યારેજ આવે છે જ્યારે તેને યોગ્ય પ્લેટફોર્મ મળે છે. ભાવનગરમાં પ્રથમ વાર અન્ડર 14 ઈન્ટર ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. KPES શાળા દ્વારા પ્રથમ વખત લેધર સીઝન બોલમાં ઈન્ટર ક્લાસ ટૂર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં બાળ ક્રિકેટર્સ જોડાયા છે.
અંડર 14 ઈન્ટર કલાસ ક્રિકેટ ટૂર્નામેન્ટઃ ભાવનગર શહેરના કાળિયાબીડમાં આવેલી કેપીએસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે અંડર 14 ઈન્ટર ક્લાસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટનું આયોજન કરતા જીતુભાઈ પાટીલે જણાવ્યું હતું કે, ખાસ કરીને 12થી 14 વર્ષના બાળકોને તેમની હાલની ઉંમર પ્રમાણે લેધર સીઝન બોલમાં રમવાનો મોકો ખૂબ ઓછો મળતો હોય છે. આથી પ્રથમ વખત અમે અન્ડર 14 ઈન્ટર ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કર્યું છે. જેમાં 12થી 14 વર્ષની ઉંમરના મોટાભાગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે. અમે તેમની અલગ ટીમો બનાવીને ટુર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે.
20 ઓવર્સની ટૂર્નામેન્ટઃ અંડર 14ના બાળકો માટે ખાસ કરીને ટ્વેન્ટી-ટ્વેન્ટી ઓવરની ટૂર્નામેન્ટનું આયોજન કરાયું છે. ભાવનગરના કેપીએસ કોલેજના ગ્રાઉન્ડ ખાતે હાલમાં 3થી 4જેટલી ટીમો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. નાના બાળકો દ્વારા બોલિંગ થી લઈને બેટિંગ સુધીનું પ્રેક્ટિકલ અને થીયોરિટિકલ જ્ઞાન પણ મેળવી રહ્યા છે. વાલીઓ દ્વારા પણ ક્રિકેટમાં આવેલ જાગૃતતા બાદ મળેલા સહકારને પગલે ટૂર્નામેન્ટ સફળ થઈ હોવાનું સંચાલકો માની રહ્યા છે. ટૂર્નામેન્ટના આયોજક જીતુભાઈ પાટીલે જણાવ્યું હતું કે, આ અંડર 14 ઈન્ટર ક્લાસ ક્રિકેટ ટૂર્નામેન્ટ પાછળનો અમારો હેતુ જિલ્લા કક્ષાની સારી એવી ટીમ અંડર 14ની બનાવવા માટે ખેલાડીની શોધ માટેનો પણ છે. આથી દરેક બાળકોને તક આ ટૂર્નામેન્ટમાં આપવામાં આવી છે.
શેરીઓમાં રોળાતા ક્રિકેટ કૌશલ્યને મળશે પ્લેટફોર્મઃ ખાસ કરીને 12થી 14 વર્ષની ઉંમરના બાળકો પોતાના ઘર પાસે શેરીઓમાં ક્રિકેટ રમીને મનોરંજનના ભાગરૂપે આનંદ લૂંટતા હોય છે. જો આ શેરીઓમાં ક્રિકેટ રમતા બાળકોને પૂરી તક આપવામાં આવે તો તેઓ સારા ખેલાડીઓ પણ બની શકે છે. અન્ડર 14 ઈન્ટર ક્લાસ ટૂર્નામેન્ટના આયોજક જીતુભાઈ પાટીલે જણાવ્યું હતું કે, શેરીઓમાં રમતા બાળકોની કલા શેરીઓમાં જ દબાઈ ન જાય તે માટે આ એક અમારો પ્રયત્ન છે. શેરીમાં રમતો બાળક જ્યારે ગ્રાઉન્ડ ઉપર લેધર સીઝન બોલમાં રમશે ત્યારે સારા એવા ખેલાડી આપણને મળી શકશે. આથી આ પ્લેટફોર્મ બાળકો માટે ફાયદાકારક બની રહેશે.