ભાવનગર: ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું છેલ્લુ ગામ એટલે ચોરવડલા ગામ. આ ગામમાં જવા માટે સોનગઢથી લઈને સણોસરા વચ્ચે આવેલા રાજકોટ હાઇવે ઉપરથી તેમજ સોનગઢથી પાલીતાણા તરફના માર્ગ ઉપરથી પહોંચી શકાય છે. ત્યારે ETV ભારતની ટીમ ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના છેવાડે આવેલા સોનગઢ સણોસરા વચ્ચેના ચોરવડલા ગામે પહોંચી હતી. ચાલો જાણીએ આ ગામની કેટલીક સમસ્યાઓ ? અને શું કહે છે ગામ લોકો...
સાવજ અને દીપડાઓના ત્રાસથી લોકો પરેશાન
ચોરવડલા ગામની આજુબાજુમાં વન વિભાગની જગ્યા આવેલી છે. આ ડુંગરાળ વિસ્તારમાં સાવજ અને દીપડાઓએ ધામા નાખેલા છે. ગામની ત્રણ તરફથી આવતા માર્ગ પરથી તમે પસાર થાવ એટલે તમારે જંગલ ખાતાની જમીનમાંથી પણ પસાર થવું પડે છે. ગામના સરપંચ સહિત સ્થાનિક આગેવાનો સાથે ETV ભારતે વાતચીત કરતાં ચોરવડલા ગામના સ્થાનિકોએ જણાવ્યું હતું કે ગામમાં આવતા ત્રણેય તરફના રસ્તાઓ ખરાબ હાલતમાં છે. જેને પગલે ગામ લોકો હાલાકી ભોગવી રહ્યા છે. આ રસ્તાઓને ઘણા વર્ષોથી રિપેર કરવામાં નહીં આવ્યા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.
ખેડૂતોનેે દિવસે વીજળી નથી મળતી
ચોરવડલા ગામ સિહોર. તાલુકાનું ગામ છે અને બાજુમાં જ પાલીતાણા તાલુકાના ગામનો સીમાડો આવી જાય છે. પરંતુ સાવજો અને દીપડાનો ડેરો અહીં હોવાને પગલે ગામ લોકોને ગામની બહાર આવવા જવા માટે પોતાના વાહનોનો ઉપયોગ કરવો પડે છે. માલધારીઓએ પોતાના પશુઓનું સાવજ દ્વારા મારણ થઈ ગયા બાદ સરકાર દ્વારા વળતર નહીં મળતું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઉપરાંત વીજળી દિવસે આપવામાં નહીં આવતી હોવાને કારણે રાત્રિના ખેતરમાં ખેતી કરતા ખેડૂતોને સાવજના ડરના કારણે પણ હાલાકી ભોગવી પડતી હોવાની ચર્ચા પણ ગામના લોકોના મુખેથી સાંભળવા મળી હતી.
ડૂંગળી અને કપાસના યોગ્ય ભાવ મળતાં નથી
ખેડૂતોએ ડૂંગળી અને કપાસના યોગ્ય ભાવ મળતાં ન હોવાની પોતાની વ્યથા રજૂ કરી હતી. ખાતર બિયારણના ભાવ વધી રહ્યા છે. જેથી ખેડૂતોને આર્થિક રીતે પણ ભારે તકલીફો પડી રહી છે.
આ ઉપરાંત ખેડૂતોએ ગામમાં પાણીનો પ્રશ્નો પણ યથાવત હોવાનું સામે આવ્યું હતું. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. સરકાર શાળાઓ તો બનાવી દે છે. પરંતુ શાળાઓ સુધી પહોંચવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ નીવડે છે. ચોરવડલા ગામમાં બસની સુવિધા નહીં હોવાને કારણે શિક્ષણ મેળવવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી હોવાનું ETV ભારતની મતદારો સાથે વાતચીતમાં સામે આવ્યું હતું.