ભાવનગર: ભાવનગર શહેરમાં ગણપતિ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના-મોટા સૌ કોઈ નાના ગણપતિથી લઈને મોટા ગણપતિ સુધી ઉત્સવ કરવા માંગતા હોય તેમ મૂર્તિની ખરીદી કરતા નજરે પડતા હતા. ગણપતિ બાપાના નાદ સાથે મૂર્તિ ઘરે પધરામણી કરવા લઈ જતા લોકો નજરે પડતા હતા. જો કે મૂર્તિ બનાવનારોએ પોતાની મુશ્કેલીઓ પગલે માંગ કરી છે અને લોકોએ ઉત્સાહ દર્શાવ્યો છે.
મૂર્તિ બનાવનાર લોકો દ્વારા અવનવી કેટલી મૂર્તિ: ભાવનગર શહેરના જવાહર મેદાનમાં કલેકટર કચેરીએથી મંજૂરી લઈને મોટી સંખ્યામાં મૂર્તિકારો દ્વારા પેન્ટ બનાવીને વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ભાવનગરના જવાહર મેદાનમાં મૂર્તિ વેચનાર આનંદભાઈ રામભાઈ ભાટીએ જણાવ્યું હતું કે અમે સરકારના નિયમ મુજબ માટીના જ ગણપતિ બનાવીએ છીએ. ગણપતિ અમે 50 થી લઈને 6000 રૂપિયા સુધીના રાખ્યા છે, જે લોકોને જેવું જોઈએ એવું મળે છે. મોરવાળા, પાઘડી વાળા દરેક પ્રકારના ગણપતિ અમે બનાવ્યા છે, જેમાં નાના મોટા દરેક પ્રકારના ગણપતિ છે.
લોકોએ ઉત્સાહ સાથે ગણપતિ ખરીદ્યા: નાના મોટા સૌ કોઈ મૂર્તિની ખરીદી કરવા આવતા હતા, ત્યારે વિપુલભાઈ કનાડાએ જણાવ્યું હતું કે, "ગણેશ ઉત્સવ મહારાષ્ટ્ર સાથે ગુજરાતમાં પણ થવા લાગ્યો છે. જાણે ઘરે ઘરે ગણપતિ મહારાજની પધરામણી થવા લાગી છે. આજથી આ ગણેશ ઉત્સવ શરૂ થઈ રહ્યો છે ત્યારે ગણપતિ મહારાજ દરેકના વિઘ્ન હરે અને વિકાસ થાય, સિદ્ધિ મેળવે એવી સૌને આપણે ગણપતિ મહારાજની પાસે પ્રાર્થના કરી છે. આજે તો બહુ સરસ મૂર્તિ છે અને મૂર્તિ પ્રમાણે જુદા જુદા ભાવો મુકેલા છે અને માણસોને અનુકૂળતા પ્રમાણે શેરી, ઘર પ્રમાણે, સાઈઝ પ્રમાણે ગણપતિ મહારાજને લઈને પધરામણી કરી રહ્યા છે."
મૂર્તિકારે માટીમાં થતા નુકસાન પગલે વળતરની અપેક્ષા: ભાવનગર શહેરમાં જવાહર મેદાનમાં મોટી સંખ્યામાં મૂર્તિકારો પોતાનો વ્યાપાર ધંધો ચલાવી રહ્યા છે, ત્યારે સરકાર પાસે અપેક્ષા પણ રાખી રહ્યા છે. જમીનનું ભાડું પણ સરકારને ચુકવનાર મૂર્તિકારોએ અપેક્ષા રાખી છે.
મૂર્તિકાર અગ્રણી આનંદભાઈ ભાટીએ જણાવ્યું હતું કે, "અમે સરકારના નિયમ મુજબ માટીના ગણપતિ બનાવીએ છીએ. પરંતુ તેમાં ખૂબ નુકસાન જાય છે, ગત વર્ષે અમારે વરસાદમાં નુકસાન ગયું હતું, તેના આગળના વર્ષોમાં પણ વાવાઝોડું આવ્યું એ સમયે નુકસાન થયું હતું. સરકાર તરફથી અમને નુકસાનનું વળતર મળે તેવી અમારી માંગ છે."