ભાવનગર : જૂનાગઢની પરિક્રમાને ધ્યાને લઈને ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. નવી બે સ્પેશિયલ ટ્રેનો જાહેર કરવામાં આવી છે, જેમાં વેરાવળ-ગાંધીગ્રામ અને રાજકોટ-જૂનાગઢ વચ્ચે ખાસ ટ્રેન દોડવાની છે. જાણો આ ટ્રેનનો સમય, તારીખ, ઓનલાઈન બુકિંગ અને ભાડા વિશે સમગ્ર માહિતી
ભાવનગરથી દોડશે બે સ્પેશિયલ ટ્રેન : ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા હાલમાં જૂનાગઢ પરિક્રમાને લઈને બે સ્પેશિયલ ટ્રેન દોડાવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વેરાવળ-ગાંધીગ્રામ અને રાજકોટ-જૂનાગઢ ટ્રેન જાહેર કરવામાં આવી છે. આગામી 10 દિવસ સુધી આ ટ્રેન ચાલવાની છે. આ બન્ને ટ્રેનનું બુકિંગ આજ શુક્રવાર 8 તારીખથી શરૂ થઈ ગયું છે. આથી લોકો આ બંને ટ્રેનનો લાભ લઇ શકશે અને કોઈ મુશ્કેલી વગર મુસાફરી કરી શકશે.
- વેરાવળ અને ગાંધીગ્રામ વચ્ચે સ્પેશિયલ ટ્રેન :
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા વેરાવળ ગાંધીગ્રામ ટ્રેન જાહેર કરવામાં આવી છે. આ સ્પેશિયલ ટ્રેન 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી ચાલવાની છે. આ ટ્રેન નંબર 09556 વેરાવળ-ગાંધીગ્રામ વેરાવળથી રાત્રે 09:20 કલાકે ઉપડશે અને બીજા દિવસે સવારે 8 કલાકે ગાંધીગ્રામ પહોંચશે. જ્યારે 09555 ટ્રેન નંબર ગાંધીગ્રામ-વેરાવળ ગાંધીગ્રામથી સવારે 10:10 કલાકે ઉપડશે, જે વેરાવળ સાંજે 05:40 કલાકે પોહચશે.
આ ટ્રેનનું ભાડું સુપરફાસ્ટ મેલ અને એક્સપ્રેસનું ભાડું લેવામાં આવશે. આ ટ્રેન સરખેજ, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, ઢસા, લાઠી, ચિતલ, વડીયા, દેવળી, જેતલસર, જૂનાગઢ, કેશોદ અને માળીયા હાટીના ખાતે ઉભી રહેશે.
- રાજકોટ અને જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન :
ભાવનગર રેલવે ડિવિઝન દ્વારા રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 8 નવેમ્બરથી 18 નવેમ્બર સુધી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. આ ટ્રેન નંબર 09579 રાજકોટ-જૂનાગઢ રાજકોટથી સવારે 10:55 કલાકે ઉપડશે અને બપોરે 1:00 વાગ્યે જૂનાગઢ પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09580 જૂનાગઢ-રાજકોટ જૂનાગઢથી બપોરે 01:40 કલાકે ઉપડશે અને સાંજે 05:05 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશન ઉપર ઊભી રહેશે. ઉપરાંત આ ટ્રેનનું ભાડું સુપરફાસ્ટ મેલ અને એક્સપ્રેસનું ભાડું રહેશે.