ભાવનગર: ગુજરાતમાં એક પછી એક જે રીતે ઘટનાઓ બની રહી છે અને ત્યારબાદ જ્યારે રાજકોટનો અગ્નિકાંડ સર્જાયો છે તેને લઈને ઘેરા પડઘા સમગ્ર રાજ્યમાં પડ્યા છે. જો કે સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગ સજાગ થઈ ગયો અને ફાયરના સાધનોને લઈને ચેકિંગ હાથ ધરવા લાગ્યું છે. ત્યારે ભાવનગરમાં પણ મહાનગરપાલિકાએ કાર્યવાહી કરી છે. રાજ્યમાં બનતી આ પ્રકારની ઘટનાઓને લઈને ભાવનગરની સામાન્ય જનતા શું કહે છે તે અમે જાણવાની કોશિશ કરી હતી.
જનતામાં રોષ: ભાવનગર શહેરમાં રાજકોટના અગ્નિકાંડને લઈને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, સ્થાનિક નાગરિકો માની રહ્યા છે કે તંત્રની ઘોર બેદરકારી છે અને અધિકારીઓની મિલીભગતના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે. જો કે સામાન્ય જનતા માત્ર મત લેવા માટે હોય તેવી સ્થિતિ સર્જાઇ રહી છે. રાજકોટમાં બનેલી ઘટના જરૂર હચમચાવનારી અને નાગરિકોને સાવચેત કરનારી છે.
પ્રજા ચિંતિત: ભાવનગર શહેરના રૂપાણી સર્કલમાં સ્થાનિકો સાથે ઈટીવી ભારતે ખાસ વાતચીત કરી હતી. જો કે કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ યોજીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સ્થાનિક નાગરિકોએ બનાવને પગલે પોતાનો રોષ પણ ઠાલવ્યો હતો ત્યારે સ્થાનિકો શું કહે છે તે ઈટીવી ભારતે જાણવાનો પ્રયાસ કર્યો હતો.