ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાના સફાઈ કામદારોના ભરતીના પ્રશ્નને લઈને મહાનગરપાલિકા મઝદૂર સંઘ દ્વારા બાયો ચડાવવામાં આવી છે. ભાવનગર શહેરમાં આજથી કાળી પટ્ટી ધારણ કરીને સફાઈ કામદારોએ પોતાનો રોષ પ્રગટ કર્યો છે.મઝદૂર સંઘની માંગ છે કે વાલ્મિકી સમાજની ભરતી કરવામાં આવે ત્યારે સત્તાધીશો નિયમ દર્શાવી રહ્યા છે. સફાઈ બંધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી રહી છે.
મઝદૂર સંઘે ધરણા બાદ કાળી પટ્ટી ધારણ કરી : ભાવનગર મહાનગરપાલિકાના એક દિવસ પૂર્વે મહાનગરપાલિકા મઝદુર સંઘ દ્વારા સફાઈ કામદારોના પ્રશ્નોને લઈને ધરણા યોજવામાં આવ્યા હતા.મઝદૂર સંઘની માંગ છે કે વાલ્મિકી સમાજના લોકોને ભરતી સફાઈ કામદારમાં કરવામાં આવે, પડતર માંગને સત્તાધીશો દ્વારા ઘણા સમયથી સ્વીકારવામાં નહીં આવતા ધરણા યોજ્યા બાદ આજે દરેક સફાઈ કામદારોએ કાળી પટ્ટી ધારણ કરી હતી.
રાજકોટમાં થાય તો ભાવનગરમાં કેમ નહીં : સફાઈ કામદારોના પ્રશ્નને લઈને મહાનગરપાલિકા મેદાનમાં ઉતર્યું છે, ત્યારે મઝદૂર સંઘના પ્રભારી મંત્રી વિજય ગોહેલે જણાવ્યું હતું કે સફાઈ કામદારના વણઉકેલાયેલા પ્રશ્નની રજૂઆત કરતા ઉકેલ નહીં આવતા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાયો છે. જરૂર પડશે તો આગામી દિવસોમાં સફાઈ પણ બંધ કરવાની ફરજ પડશે. સાત પેઢીથી વાલ્મિકી સમાજ ભારતમાં સફાઈ કરતો હોય તો તેમની અપેક્ષા રહે છે તે સ્વાભાવિક છે. રાજકોટ મહાનગરપાલિકામાં જો વાલ્મિકી સમાજના લોકોને લેવામાં આવતા હોય તો અહીંયા શું વાંધો છે.
વાલ્મિકી સમાજમાં હજુ 95 ટકા ગરીબ : મઝદૂર સંઘની માંગણી નવી ભરતી કરવામાં આવે તેની છે, ત્યારે મઝદૂર સંઘના પ્રભારી મંત્રી વિજય ગોહેલે જણાવ્યું હતું કે આજ દિન સુધી વાલ્મિકી સમાજનો વર્ગ પાંચ ટકા જ બહાર નીકળ્યો છે અને હજુ 95 ટકા ગરીબી રેખા નીચે જીવે છે. આજ સમાજમાં આ જ સમાજના લોકો આ વ્યવસાયમાં જોતરાયેલા છે. ત્યારે બીજા લોકો આવશે તો વાલ્મિકી સમાજના લોકોને ભાડે રાખશે અને કામ કરાવશે એટલે બીજી મહાનગરપાલિકા જેવું અહીંયા થશે.
મહાનગરપાલિકામાં જગ્યા કેટલી અને ભરતી ક્યારે થઈ : ભાવનગર મહાનગરપાલિકામાં સફાઈ કામદારોનું સેટઅપ કેટલું છે અને કેટલા લોકોથી હાલમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે તે જણાવતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકાની અંદર સફાઈ કામદારનું સેટઅપ હાલમાં 1512 નું મંજૂર થયેલું છે, જેમાં 519 કાયમી છે અને 368 કામદારો હંગામી ધોરણે કામ કરી રહ્યા છે. કુલ 887 કામદારો હાલમાં છે. આપણે વિસ્તાર વધી રહ્યો છે તે પ્રમાણે ભરતી કરી રહ્યા છીએ છેલ્લે 2017માં ભરતી કરવામાં આવી હતી.
યુનિયનના પગલે મહાનગરપાલિકાનું વલણ શું : મહાનગરપાલિકા મઝદૂર સંઘ દ્વારા ધરણા અને હવે કાળી પટ્ટી ધારણ કરવામાં આવી છે જે ઈશારો આગામી દિવસોમાં શહેરની સ્વચ્છતાને લઈને ખલેલ પડવાનો દર્શાવી રહ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે યુનિયન રોસ્ટેડ વિરુદ્ધ ભરતીની માંગ કરી રહ્યું છે, પણ સરકારની ગાઈડ લાઈન મુજબ મહાનગરપાલિકા રોસ્ટર પ્રમાણે ભરતી કરવા કટિબદ્ધ છે.