ભાવનગર : લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસહિતા લાગી જતી હોય છે. આચારસંહિતા લાગવાને પગલે સરકારી વાહનોને પદાધિકારીઓએ જમા કરાવીને પોતાના વાહનોમાં આવનજાવન કરવી પડતી હોય છે. ત્યારે ભાવનગરના પ્રથમ નાગરિક મહાનગરપાલિકાના મેયરે ચૂંટણી જાહેર થાય તે પહેલા આચારસંહિતાને લાગુ પડે તે પહેલાં જ પોતાની કારને જમા કરાવી દીધી છે.
આચારસંહિતા લાગતા સરકારી વાહનો થશે જમા : ભારત દેશમાં કોઈપણ ચૂંટણી જાહેર થાય એટલે આચારસંહિતા જ્યાં ચૂંટણી હો/ ત્યાં આપોઆપ લાગુ થઈ જતી હોય છે. જેને પગલે પદ પર બેઠેલા પદાધિકારીઓને સરકારી વાહનના ઉપયોગ ઉપર બ્રેક લાગી જાય છે. લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરે પોતાની કારને જમા કરાવી દીધી છે. ભાવનગરના મેયર ભરતભાઈ બારડ સામાન્ય વર્ગમાંથી આવે છે અને હાલમાં મેયર પદે છે ત્યારે ચૂંટણી જાહેર થયા પહેલા જ પોતાની કાર જમા કરીને સૌ કોઈને ચોંકાવી દીધા છે.
મેયર અચાનક સ્કૂટર લઈને આવ્યા તો સૌ ચોકી ઉઠ્યા : લોકસભાની ચૂંટણી જાહેર થાય તેના પહેલાં જ ભાવનગરના મેયર ભરતભાઈ બારડએ 16 તારીખના રોજ સવારથી જ પોતાની કારને જમા કરાવી દીધી છે. આમ તો તેમણે કાલથી જ પોતાની કારનો ઉપયોગ બંધ કર્યો કહેવાય. જો કે મહાનગરપાલિકાએ પોતાના ઘરેથી આવવા જવા માટે હવે પોતાનું સ્કૂટરનો ઉપયોગ તેઓ કરી રહ્યા છે. મહાનગરપાલિકાએ સ્કૂટર લઈને આવેલા મેયર ભરતભાઈ બારડને જોઈને સૌ કોઈ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ચોકી ઉઠ્યા હતાં. અનેક લોકોએ પોતાની રીતે ભરતભાઈને "કેમ આમ સ્કૂટરમાં ?" તેવા સવાલો પણ કર્યા હતા. જો કે જવાબ સ્પષ્ટ હતો.
વહેલા વાહન જમા કરાવી આપ્યો અને પદાધિકારીને સંદેશ : લોકસભાની ચૂંટણી 16 માર્ચના બપોર બાદ જ્યારે જાહેર થવાની હતી ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના મેયરે અગાઉથી જ પોતાનું વાહન જમા કરાવવાની પ્રક્રિયા હાથ ધરી લીધી હતી. જો કે આમ કરવા પાછળ મેયર ભરતભાઈ બારડએ જણાવ્યું હતું કે પ્રથમ નાગરિક તરીકે કાયદાનો અમલ કરવો એ પ્રથમ મારી જવાબદારી હોય છે, તો જ બીજા લોકોને પણ ઉદાહરણ પૂરું પડે. મેં આજ સવારથી જ કાર પાર્કિંગમાં મુકાવી દીધી છે અને હમણાં જમા પણ થઈ જશે. આચારસંહિતા લાગુ પડે એ પહેલાં જ મેં મારી વ્યવસ્થા કરીને હું સ્કૂટર લઈને જ આવ્યો છું. બીજું એવું કાંઈ નહિ પણ ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય અને હું બહાર હોવ અને કારમાં બેઠો હોવ તો એ યોગ્ય ન કહેવાય. તેથી મેં આજે ગાડી મૂકી દીધી છે અને સ્કૂટર લઈને નીકળ્યો છું.