ભાવનગર : વરસાદની વચ્ચે પણ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક થઈ રહી છે. ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા જોવા મળી રહ્યા છે. ખેડૂતો અનુસાર હાલની મોંઘવારી પ્રમાણે ભાવ ખૂબ ઓછા પડે છે. જોકે, વરસાદમાં મગફળી ભીંજાઈ જવાના કારણે ભાવ ઓછા મળતા હોવાનું કારણ સામે આવી રહ્યું છે. જાણો ખેડૂતોના મત તથા મગફળીની આવક અને ભાવ...
મગફળી ભીંજાઈ-ભાવ ગગડ્યા : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલ રોજની આશરે 2 હજાર કરતા વધારે ગુણીની આવક થઈ રહી છે. જોકે, વરસાદી વાતાવરણ વચ્ચે ભાવ ઓછા મળતા ખેડૂતોએ રોષ ઠાલવ્યો છે. નથુગઢના ખેડૂત રમેશ ધામેલીયાએ જણાવ્યું હતું કે, અમને આ ભાવ પોસાય તેમ નથી, કારણ કે મજૂરીના ભાવ જ એટલા ઊંચા છે. જ્યારે મહેશ મોરીએ જણાવ્યું કે, આ વર્ષે નફો નીકળે એમ નથી, કારણ કે મગફળી પલળી ગઈ છે. 5 નંબરની મગફળીનો પ્રતિ મણ 1273 ભાવ છે. મોરચંદના ખેડૂત પ્રવિણસિંહે જણાવ્યું કે, ભાવ તો કંઈ મળ્યો નથી. 1200 રૂપિયા ભાવ છે, જે પોસાય તેમ જ નથી.
મગફળીની આવક અને ભાવ : ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં 17 ઓક્ટોબરના રોજ મગફળીની આવક અનુસાર મગફળી G 66 328 ગુણીની આવક નોંધાઈ હતી, જેનો ઓછો ભાવ 1312 અને વધુ ભાવ 2071 નોંધાયો હતો. જ્યારે G9 મગફળી 393 ગુણી આવક નોંધાઈ હતી, જેનો ઓછો ભાવ 1216 અને વધુ ભાવ 1425 નોંધાયો હતો. જ્યારે મગફળી 39 નંબરની આવક 1412 ગુણી હતી, જેનો ભાવ ઓછો 976 અને વધુ ભાવ 1090 નોંધાયો હતો. મગફળી G20 117 ગુણી આવક નોંધાઈ, જેનો ઓછો ભાવ 870 અને વધુ ભાવ 1120 નોંધાયો હતો. 18 તારીખે પણ ભાવ સમાન રહ્યા છે.
"ખેડૂતોને મગફળી સુકવીને લાવવા માટે જણાવવામાં આવ્યું છે, જેથી કરીને ખેડૂતોને સારા ભાવ મળી શકે. વરસાદના પગલે આવકનું પ્રમાણ ઓછું છે." -- અરવિંદભાઈ ચૌહાણ (ભાવનગર માર્કેટિંગ યાર્ડ)
"વરસાદ બન્યો વિલન" : ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું કે, ભાવનગરમાં ચાલુ વર્ષે મગફળીની આવક 2000 ગુણી કરતા વધારે છે. જ્યારે ભાવ 900 થી લઈને 2000 છે. પીલાણની મગફળીના ભાવ અને વાવેતર માટે બિયારણ સ્વરૂપે ખરીદવામાં આવતી મગફળીના ભાવમાં તફાવત છે. જોકે, પીલાણની મગફળી પણ ભીંજાયેલી હોવાથી ઓછા ભાવ મળી રહ્યા છે. ગત વર્ષે ગુણીની આવક 4,800 આસપાસ હતી અને ભાવ 1000-2000 વચ્ચે હતા.