ભાવનગર : શક્તિનો સીધો સોર્સ એટલે સાની, આવું ભાવનગરમાં કહેવામાં આવે છે. સાની બનાવવાની શરૂઆત વર્ષો પહેલા થઈ હતી. આખું વર્ષ શરીરને શક્તિ પૂરી પાડતી અને તલમાંથી બનતી સાનીની માંગ શિયાળાના પ્રારંભથી થઈ જાય છે. એક ટન સુધીની સાની માત્ર એક તેલઘાણી વહેંચે છે. ભાવનગરમાં ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સાની ઉપલબ્ધ છે, જેની માંગ મુંબઈ સુધી છે.
શક્તિવર્ધક સાની એટલે "કચરિયું" : શરીરને સ્વસ્થ અને મજબૂત બનાવવાનો સમય એટલે શિયાળો. ભાવનગરમાં શિયાળાનો પ્રારંભ થતા કાળા અને સફેદ તલની સાની બજારમાં ઉપલબ્ધ બને છે. ગત વર્ષના ભાવ પ્રમાણે જ આ વર્ષે પણ સાની યથાવત રહી છે. તેલઘાણીમાં બનતી સાનીની માંગ મુંબઈ સુધી છે. ગત વર્ષ કરતા તલના ભાવમાં વધારો આવ્યો પણ સાનીમાં નહીં. ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ સાની તૈયાર કરવામાં આવી છે.
મુંબઈ સુધી પહોંચી ભાવનગરની સાની : મૂળ ભાવનગરના અને હાલ મુંબઈમાં વસતા માધવીબેન મહેતાએ જણાવ્યું કે, અમે 20 વર્ષ અહીં ભાવનગરમાં રહ્યા છીએ, ત્યારથી સાની ખાઈએ છીએ. છેલ્લા 15 વર્ષથી મુંબઈમાં છીએ અને દર વર્ષે અહીંયા આવવાનું બને છે, ત્યારે અહીં રૂબરૂ આવીને સાની લઈ જઈએ છીએ અથવા કુરિયરથી પણ સગાવહાલા દ્વારા અમે સાની મંગાવીએ છીએ.
![શક્તિવર્ધક સાની એટલે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-11-2024/22995868_3_aspera.jpg)
ડાયાબિટીસના દર્દીઓ માટે ખાસ "સાની" : ઉંમરલાયક અને ડાયાબિટીસના દર્દીઓ માટે પણ સાની ખાવી લાભદાયી છે. જોકે, થોડા પ્રમાણમાં ખાવી જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે એટલે મધ અને ખજૂર નાખેલી સાની બનાવવામાં આવે છે. માધવીબેને વધુમાં જણાવ્યું કે, ભાવનગરની સાની જેવો સ્વાદ અમને ક્યાંય લાગ્યો નથી, એટલે ખાસ અમારે અહીંયા કુરિયરથી મંગાવી પડે છે.
![દરરોજ સાનીનું વેચાણ 1 ટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/28-11-2024/22995868_1_aspera.jpg)
દરરોજ સાનીનું વેચાણ 1 ટન : ભાવનગરમાં વર્ષોથી તેલઘાણી ચલાવતા હાજી મહેબુબભાઈ સૈયદે જણાવ્યું કે, અમે છેલ્લા 60 વર્ષથી તેલઘાણીમાં સાની બનાવવાનું કામ કરીએ છીએ. પહેલા મારા પિતાશ્રી કામ કરતા હતા એની પછી હવે હું કામ સંભાળું છું. હાલમાં દરરોજ 700 થી 800 કિલો સાનીનું વેચાણ થાય છે, જ્યારે ફૂલ સિઝન હોય ત્યારે સાનીનું વેચાણ 1 ટન સુધી પહોંચે છે.
તલનો ભાવ વધ્યો, પણ સાનીમાં નહીં : મહેબુબભાઈએ જણાવ્યું કે, ગત વર્ષે તેલના ભાવ ઓછા હતા. આ વર્ષે 20 કિલો કાળા તલના ભાવ 4,500 અને સફેદ તલના 2,800 છે, જે ગત વર્ષે અનુક્રમે 3,500 અને 2,200 હતા. જોકે, સામાન્ય લોકો સાની ખાઈ શકે એ માટે અમે ભાવ વધાર્યા નથી. સફેદ સાનીનો ભાવ રૂ. 280 પ્રતિ કિલો અને કાળા તલની સાનીનો ભાવ રૂ. 320 પ્રતિ કિલો છે.