ગાંધીનગરઃ ભાવનગર જિલ્લામાં ઘોઘા પંથકમાં ધરતીકંપનો 3.2નો આંચકો રાત્રિના 9.52 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપ ભાવનગર શહેરથી 17 કિમી દૂર દક્ષિણ પશ્ચિમમાં અને 11.7 km ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જમીનની અંદર પેટાળમાં એવી કઈ હિલચાલને કારણે ભૂકંપ આવે છે તે અંગે ETV BHARATએ પ્રયાસ કર્યો હતો.
વેસ્ટ કેમ્બે ફોલ્ટની કોર્નર પર ભૂકંપઃ ડો. સંતોષકુમારે જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લામાં ધરતીકંપમાં 3.2નો આંચકો રાત્રિના 9.52 કલાકે અનુભવાયો હતો. ભાવનગરથી 17 કિલોમીટર દૂર દક્ષિણ પશ્ચિમમાં 11.7 km ઊંડાઈએ કેન્દ્રબિંદુ હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. વેસ્ટ કેમ્બે ફોલ્ટની કોર્નર પર ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રીક્ટર સ્કેલ પર 3.2 ની નોંધાઈ હોવાથી કોઈ મોટું નુકસાન થયું નથી. 6થી વધુની તીવ્રતાનો ભૂકંપ આવે તો જ નુકસાન થવાની સંભાવના છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા ભારતમાં ભૂકંપ અંગેના સીસ્મિક ઝોન બનાવવામાં આવ્યા છે. ભારતમાં મુખ્ય 4 સિસમીક ઝોન છે. આ ઝોનને 2થી 5 માં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
![ભૂગર્ભમાં પ્લેટ અથડામણથી 400 કિમી દૂર છે ભાવનગર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-04-2024/21216417_b_aspera.jpg)
સૌરાષ્ટ્ર સીસ્મિક ઝોન-3માંઃ ભાવનગર અને સૌરાષ્ટ્રનો વિસ્તાર સીસ્મિક ઝોન 3માં આવે છે. કચ્છ ઝોન 5માં આવે છે. કચ્છ સાથે જોડાયેલા જામનગર અને રાધનપુરનો વિસ્તાર સિસ્મિક ઝોન 4માં આવે છે. સૌરાષ્ટ્ર, અમદાવાદ અને ઉત્તર ગુજરાતનો ભાગ 3માં આવે છે. ગોધરા, દાહોદ સહિતનો વિસ્તાર સીસ્મિક જોન 2માં આવે છે. જ્યારે સુરત, વડોદરા, અમદાવાદ વગેરે ગુજરાતના મોટા શહેર ઝોન 3માં આવે છે. ભૂકંપ જેટલા વધુ ઝોનમાં આવે તેટલી તેની તીવ્રતા વધુ હોય છે.
સમગ્ર વિશ્વમાં 7 પ્લેટ છેઃ પૃથ્વીના પેટાળમાં આંતરિક હલનચલન હંમેશા થતું હોય છે. દુનિયામાં 7 મોટી પ્લેટો છે. આ પ્લેટ એકબીજા સાથે અથડાય છે. જે સ્થળે આ પ્લેટો એકબીજા સાથે અથડાય છે ત્યાં ભૂકંપ આવવાની સંભાવના વધુ હોય છે. જો કે ભાવનગર પ્લેટ અથડાવાના સ્થળથી 400 km દૂર છે. આવી કોઈ પ્લેટ અથડાવવાની મોટી મૂવમેન્ટ ભાવનગરમાં જોવા મળશે નહીં. ભાવનગર જીલ્લો સીસ્મિક ઝોન-3માં આવે છે. ઝોન 3માં વધુને વધુ 6ની તીવ્રતાનો ભૂકંપ આવી શકે છે. હાલમાં પૃથ્વીના પેટાળમાં એવી કોઈ હલચલ નથી નોંધાઈ કે જેને કારણે ભાવનગરમાં મોટો ભૂકંપ આવવાની સંભાવના હોય.
1938માં 5.7નો ભૂકંપઃ ભાવનગર જિલ્લાના પલિયડમાં ભૂતકાળમાં 1938માં 5.7 રિક્ટર સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલના વર્ષમાં કોઈ મોટો ભૂકંપ નોંધાયો નથી. ભાવનગરમાં કોઈ મોટી ફોલ્ટ લાઈન નથી. તેથી કચ્છ જેવો મોટો ભૂકંપ આવવાની સંભાવના નહિવત છે. સાયન્સ અને ટેકનોલોજીના આજના યુગમાં પણ ભૂકંપની ચોક્કસ આગાહી કરવાની સંભાવના નહિવત હોવાનું ભૂકંપ નિષ્ણાંત ડો. સંતોષકુમારે જણાવ્યું હતું.