ભાવનગરઃ આજે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ભાવનગર પધાર્યા હતા. તેમણે શહેરમાં કુલ 567 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે.મુખ્ય પ્રધાને વડા પ્રધાનના વાયબ્રન્ટ સમિટના વિઝનની પણ પ્રશંસા કરી. મુખ્ય પ્રધાને "MADE IN INDIA" હવે ગુંજતું થયું હોવાનું પણ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શહેરના બંને ધારાસભ્યો, મેયર, રાજકીય મહાનુભાવો, ભાજપ અગ્રણીઓ, કાર્યકરો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
વિવિધ વિકાસકાર્યોઃ મુખ્ય પ્રધાને ભાવનગરની વિદ્યાનગર ખાતે નવી બનનાર 22 કચેરીઓ સાથેની કલેકટર કચેરીના કુલ રુપિયા 33 કરોડના કામનું ખાતમુહૂર્ત કર્યુ હતું. તેમણે ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ ખાતેથી અન્ય વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમાં માર્ગ અને મકાન વિભાગના 330 કરોડના, મહા નગર પાલિકાના 141.20 કારોડના લોકાર્પણ અને 60.70 કરોડના ખાતમુહૂર્ત, પ્રાદેશિક નગર પાલિકાની કચેરીના 23.70 કારોડના લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) અને સર્વ શિક્ષા અભિયાનના 2.85 કરોડના લોકાર્પણ અને 9 કરોડના ખાતમુહૂર્ત, યુનિવર્સીટીના 1.87 કરોડના લોકાર્પણ અને 6.67 કરોડના ખાતમુહૂર્ત કર્યા હતા.
વડા પ્રધાનનું વાયબ્રન્ટ અંગેનું વિઝનઃ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાના ઉદ્દબોધનમાં વડા પ્રધાન અને 2003માં તત્કાલીન મુખ્ય પ્રધાન એવા નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી. તેમણે વડા પ્રધાનના 20 વર્ષ અગાઉના વાયબ્રન્ટ સમિટના વિઝનને બિરદાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,જયારે ભારત દેશ ગ્લોબલ કોમ્પિટિશનમાં નહતો ત્યારે ગુજરાત ગ્લોબલ કોમ્પિટિશનમાં હતું. આ વિઝન હતું વડા પ્રધાનનું. આ વાયબ્રન્ટ સમિટ આજે આખા વિશ્વ માટે મહત્વનું પ્લેટફોર્મ છે. જેમાં લોકો સારુ આપે છે અને સારુ મેળવીને જાય છે. તેમણે વડા પ્રધાન મોદીએ ડિજિટલ ક્ષેત્રે કરેલ ક્રાંતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે લારીવાળો પણ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે.
MADE IN INDIAની ગૂંજઃ મુખ્ય પ્રધાને ભારત દેશ કેટલી પ્રગતિ કરી રહ્યો છે તે MADE IN INDIA પરથી સમજાવ્યું. પહેલા લોકો MADE IN JAPAN, MADE IN USA વગેરે બોલતા હતા. આજે વાયબ્રન્ટ સમિટ અને વડા પ્રધાનના અન્ય કાર્યક્રમોને લીધે સમગ્ર વિશ્વમાં લોકો હવે MADE IN INDIA બોલતા થયા છે. આજે MADE IN INDIA ગૂંજી રહ્યું છે. આ કાર્યક્રમ બાદ મુખ્ય પ્રધાન સોનગઢ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા રવાના થયા હતા.
20 વર્ષ અગાઉ ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન અને આજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની વાયબ્રન્ટ સમિટ શરુ કરવામાં આવી હતી. તે સમયે જ્યારે ભારત દેશ ગ્લોબલ કોમ્પિટિશનમાં નહતો ત્યારે ગુજરાત ગ્લોબલ કોમ્પિટિશનમાં હતું. અત્યારે લોકો MADE IN INDIA બોલતા થયા છે...ભુપેન્દ્ર પટેલ(મુખ્ય પ્રધાન)