ભાવનગર: યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે T20 વુમન્સ કપ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. મહિલાઓ માટે ક્રિકેટ ક્ષેત્રે આવી સ્પર્ધાનું આયોજન ગુજરાતમાં પ્રથમવખત કરવામાં આવ્યું છે. વુમન્સ ક્રિકેટ કપમાં 4 ટીમોએ ભાગ લીધો છે. રાજ્યની રણજી, અંડર 19ની ખેલાડીઓની ટીમ બનાવવામાં આવી છે. મહિલા ખેલાડી માટે માનસિક અને શારીરિક રીતે ફિટ રહેવું ખૂબ જ મહત્વનું છે. ભાવનગરમાં યોજાયેલી પ્રથમ મહિલા ક્રિકેટ લીગ ખેલાડીઓ માટે પ્રોત્સાહન પૂરું પાડવાનું કામ કરી રહી છે.
આખા ગુજરાતમાંથી 60 મહિલા ક્રિકેટર્સની પસંદગીઃ ભાવનગર યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે T20 વુમન્સ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટૂર્નામેન્ટ પર રણજી ટ્રોફીના સિલેક્ટર રહેલા કનૈયા વાઘેલાએ જણાવ્યું હતું કે, આખા ગુજરાતમાંથી 60 જેટલી મહિલા ક્રિકેટર્સને પસંદ કરવામાં આવી છે. તેમાંથી 4 ટીમો બનાવવામાં આવી છે. આ મહિલા ખેલાડીઓ રણજી ટ્રોફી અને અંડર 19 અને 20માં રમી હોય તેવી છે. આ ખેલાડીઓ માટે પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે. લીગ કમ નોક આઉટ ટીમ બનાવવામાં આવી છે.
મેન્ટલી સ્ટ્રોંગનેસ મહત્વનીઃ દેશમાં IPL રમાઈ રહી છે અને ત્યારબાદ WPLનું પણ આયોજન કરવામાં આવે છે. આવા સમયે ભાવનગર શહેરમાં પ્રથમ વખત વુમન્સ કપનું આયોજન કરાયું છે. રણજી ટ્રોફી રમેલી પૂજા નીમાવતે જણાવ્યું હતું કે, હું ભાવનગર થી બીલોન્ગ કરું છું અને ભાવનગરમાં પ્રીમિયર લીગનું આયોજન થયું તે મારા માટે પ્રાઉડ મોમેન્ટ છે. દરેક ખેલાડીએ ફિઝિકલી ફિટ તો રહેવું જ પડે છે સાથે સાથે મેન્ટલી પણ સ્ટ્રોંગ રહેવું જરૂરી છે. ભાવનગરમાં ફર્સ્ટ ટાઈમ લીગનું આયોજન થયું છે જે ભાવનગર જિલ્લા અને તેની બહારથી આવેલ ખેલાડીઓને એક ઉત્તમ તક જરૂર પુરી પાડે છે.
ક્રિકેટ ક્ષેત્રે મહિલાઓ માટે ઉજળી તકઃ ભાવનગરમાં યુનિવર્સીટીના સહયોગથી રાજ્યની પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આવા આયોજનથી ક્રિકેટ ક્ષેત્રે મહિલા ખેલાડીઓને પૂરતી તક મળી રહે છે. મહિલાઓ માટે ક્રિકેટમાં ટકવું મેન્ટલી થોડું ટફ છે. જે રીતે પુરુષ બાદ મહિલાઓની ક્રિકેટ લીગનું આયોજન થયું છે તે અન્ય મહિલાઓ ખેલાડીઓને પ્રોત્સાહન આપશે. જો કે મહિલા લીગ મેચોનું આયોજન ઓછા પ્રમાણમાં થતું હોય છે. લીગ મેચોનું વધારે આયોજન થાય તો પુરુષ જેમ મહિલા ખેલાડીઓને ક્રિકેટ ક્ષેત્રે સારું પ્લેટફોર્મ મળી શકે તેમ છે.