સુરતઃ રાહુલ ગાંધીએે 14મી જાન્યુઆરીના રોજ મણિપુરથી ભારત જોડો ન્યાય યાત્રા શરુ કરવામાં આવી છે. આ યાત્રા ગુજરાતમાં 3 દિવસ પહેલા પ્રવેશી જ્યારે આજે આ યાત્રા સુરત જિલ્લામાં પ્રવેશી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે પ્રવેશેલ ભારત જોડો ન્યાય યાત્રાના સ્વાગત માટે મોટી સંખ્યામાં કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટી પડ્યા હતા.
કૉંગ્રેસ દિગ્ગજોનો જમાવડોઃ કૉંગ્રેસ સમર્થકો અને કાર્યકરો ઉપરાંત રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રામાં કૉંગ્રેસ દિગ્ગજોનો જમાવડો જોવા મળ્યો હતો. આજે ઝંખવાવમાં રાહુલ ગાંધીનું રોકાણ શક્ય બન્યું નહોતું તેથી કૉંગ્રેસ સમર્થકોમાં થોડી નિરાશા જોવા મળી હતી. વહેલી સવારે શરૂ થયેલી યાત્રા લગભગ 5 વાગ્યાના અરસામાં માંગરોળ આવી પહોંચી હતી.
સમાન ન્યાય માટે યાત્રાઃ ભારત જોડો યાત્રા બાદ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રાનું આયોજન કર્યુ છે. જે મણિપુરથી શરુ થઈ છે. આ યાત્રાનો હેતુ દેશના દરેક નાગરિકને સમાન આર્થિક, રાજકીય અને સામાજિક ન્યાય મળે તે છે. દેશના તમામ નાગરિકોને પાયાગત સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટેની આ ભારત જોડો ન્યાય યાત્રા છે.
ગુજરાત બહારથી પણ સમર્થકો ઉમટ્યાઃ રાહુલ ગાંધીની આ ભારત જોડો ન્યાય યાત્રામાં ગુજરાત સિવાય અન્ય રાજ્યના લોકો પણ શરૂઆતથી રાહુલ ગાંધી સાથે જોડાયેલા છે. આજની ભારત જોડો ન્યાય યાત્રામાં કૉંગ્રેસના અને રાહુલ ગાંધીના કેટલાક સમર્થકો કેરળ, છત્તીસગઢ અને તમિલનાડુથી પણ જોડાયેલા છે. કેરળના વાયનાડ કે જ્યાંથી રાહુલ ગાંધી સાંસદ પણ છે ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈને યાત્રામાં તેમની સાથે યુવાનો ફરી રહ્યા છે. જો રાહુલ ગાંધીને વાયનાડથી ફરી ટિકિટ અપાય તો રાહુલ ગાંધી ચોકક્સ જીતશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.