બનાસકાંઠા: શક્તિપીઠ અંબાજી ખાતે આગામી તા.12 થી 18 સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ મહામેળો 2024 યોજાનાર છે. જે અંતર્ગત આજરોજ સચિવ (પ્રવાસન અને દેવસ્થાન) રાજેન્દ્રકુમારના અધ્યક્ષ સ્થાને અંબાજી મંદિરના મીટીંગ હોલમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં સચિવએ સમગ્ર મેળાના આયોજન અંગે સમીક્ષા કરી હતી. સચિવ રાજેન્દ્રકુમારે ભાદરવી પૂનમ મહામેળામાં આવનાર યાત્રિકો માટે સલામતિ, સુરક્ષા, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી વગેરે બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા જરૂરી સૂચનો આપ્યા હતા. તેમજ જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ અને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સાથે હાલમાં અંબાજી ખાતે ચાલતા વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની સ્થળ મુલાકાત કરી હતી. બેઠકમાં સચિવ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર આર.આર.રાવલ, વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી તથા અન્ય અધિકારી,કર્મચારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા.

ક્યારે યોજાશે ભાદરવી પૂનમનો મેળો: શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ સમો ભાદરવી પૂનમનો મેળો ૧૨ સપ્ટેમ્બરથી થશે શરૂ એટલે કે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર દરમિયાન અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરાયું છે. અંબાજી અને અંબાજી જતા તમામ માર્ગો જયઅંબેના નાદથી ગુંજી ઉઠશે.

કલેકટરે કરી હતી બેઠક: આગોતરા આયોજન માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને કલેકટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક કરાઈ હતી, કલેકટરએ વિવિધ સુવિધાઓ વિશે વિસ્તૃત અને ઝીંણવટભરી સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી. કલેકટરએ અધિકારીઓને સંબોધતા જણાવ્યું કે, ગયા વર્ષે આ મેળાને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો, તેવી જ રીતે આ વર્ષે દૂરદૂરથી લાખો પદયાત્રિકો માતાજીના દર્શનાર્થે આવવાની ધારણા છે. અંબાજી આવતા પદયાત્રિકોને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી મળે અને સરસ દર્શન થાય તે માટે આપણે સૌ સેવાભાવના સાથે કાળજીપૂર્વક કામગીરી થાય તે પ્રકારનું આયોજન કરવા સૂચન કર્યું હતું.

લાખો ભક્તો ઉમટી પડશે: જિલ્લામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ માં અંબેના ધામ અંબાજી ખાતે દર વર્ષે આસ્થાના મહાકુંભ સમાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે. જેમાં ગુજરાત અને દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આ પવિત્ર દિવસોમાં માં અંબાના દર્શનાર્થે પધારે છે. માઁ અંબામાં ગુજરાત નહિ વિશ્વભરના લોકો આસ્થા ધરાવે છે.

ભક્તો માટે કેવું છે આયોજન : અંબાજી આવતા સંઘો અને સેવા કેમ્પોની ઓનલાઇન નોંધણી કરવામાં આવનાર છે,તેમજ અંબાજી મંદિર પરિસર અને ગબ્બર ખાતે દર્શનાર્થીઓ માટે જરૂરી સુવિધાઓ સહિત વિવિધ વ્યવસ્થાઓ અને નિ:શુલ્ક ભોજન અને પીવાના પાણીની વ્યવસ્થા, વીજળી, આરોગ્ય, સાથે આવનાર ભક્તો માટે એસ.ટી.બસોની સુવિધા કરવામાં આવનાર છે, આ સાથે CCTV કેમેરાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી તથા સ્વચ્છતા માટેની તમામ તકેદારી રાખવામાં આવનાર છે.