ભૂજ: પૂર્વ કચ્છના કુખ્યાત બુટલેગર યુવરાજસિંહ જાડેજા 6 જેટલા નશાબંધીના કેસમાં વોન્ટેડ હતો, જેની ધરપકડ માટે એલસીબી અને ભચાઉ પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન એલસીબી અને ભચાઉ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગાડીને ઉભી રાખવા ઈશારો કરી રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તેણે પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ભાગી છુટ્યો હતો, આ તકે સ્વ બચાવમાં પોલીસ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ખાખીને શર્મસાર કરતી ઘટના: પોલીસે જ્યારે બુટલેગરની ગાડીને રોકી હતી ત્યારે ગાડીમાંથી કોઈ બહાર ના નીકળતા પોલીસે કાચ તોડી બંને આરોપીઓને બહાર કાઢ્યા હતા પરંતુ ગાડીમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચની મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને આ ગાડીમાંથી દારૂ પણ મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન પોલીસ કર્મચારી નીતા ચૌધરી થારમાં રાજસ્થાનથી દારૂ લાવી હોવાની હકીકત જણાવી હતી આ સમગ્ર ઘટના રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
કોણ છે નીતા ચૌધરી: નીતા ચૌધરી ભચાઉમાં CID બ્રાન્ચમાં પોલીસ કોન્સ્ટેબલ છે પરંતુ સોશિયલ મીડિયામાં પર ભારે લોકપ્રિયતા મેળવી છે. મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી તેની ફરજ દરમિયાન પણ ઈન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવીને વધારે ચર્ચામાં રહેતી હોય છે, તેમજ વૈભવી જીવન પસાર કરી રહી છે. નીતા ચૌધરીને બુટલેગર સાથે ઝડપી પાડવામાં આવી ત્યારે તેના 42000 જેટલા ફોલોવર્સ હતા જ્યારે આજે 84,000 થી પણ વધારે ફોલોવર્સ થઈ ચૂક્યા છે, તે અવનવી ડાયલોગ બાજી કરીને પણ રીલ્સ બનાવતી રહે છે.
નોકરીમાંથી સસ્પેન્ડ: વર્ષ 2015માં નીતા ચૌધરી પોલીસ ખાતામાં ભરતી થઈ હતી, શરૂઆતમાં તેણે પૂર્વ કચ્છ પોલીસના એલસીબીમાં ફરજ બજાવી હતી ત્યારબાદ તે સીઆઈડી બ્રાન્ચમાં લાગ્યા હતા. પૂર્વ કચ્છના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેણે નોકરી કરી છે. બુટલેગર સાથે ઝડપાયા બાદ સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા હોય તેને પ્રતિનિયુક્તિ પર મૂકવામાં આવી હતી અને એસપીએ પણ ફરજ મોકૂફ હુકમ કર્યો હતો.
કોર્ટે આપ્યા જામીન: પોલીસ દ્વારા હત્યા પ્રયાસના કેસમાં દસ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જ્યાં કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા ન હતા અને બંને આરોપીઓને ગળપાદર જેલમાં ધકેલી દેવા આદેશ કરાયો હતો, આજે ગળપાદર જેલમાંથી દારૂ કેસમાં બંને આરોપીઓનો કબજો લેવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા રિમાન્ડની માંગ સાથે બંનેને સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને જામીન આપ્યા હતા જ્યારે બુટલેગર યુવરાજસિંહને જેલ હવાલે કર્યો હતો.
પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરશે: અગાઉ રિમાન્ડની માંગ ના મંજૂર કર્યા બાદ આજે પણ મહિલા પોલીસ કર્મચારીના રિમાન્ડ મંજૂર ના થયા તેમ જ તેને જામીન આપવામાં આવતા પોલીસને વધુ એક ફટકો પડ્યો છે જે માટે પોલીસ ઉપલી કોર્ટમાં અપીલ કરશે. જોકે પોલીસ વિભાગ તરફથી સત્તાવાર રીતે હજુ કોઈ પણ માહિતી આપવામાં નથી આવી રહી.નીતા ચૌધરીના વકીલ તરફથી કરવામાં આવેલી દલીલોને પગલે ભચાઉની કોર્ટે મહિલા પોલીસ કર્મચારીને હત્યાના પ્રયાસના કેસમાં જામીન આપ્યા છે. જ્યારે બુટલેગર યુવરાજસિંહ તરફથી હજુ સુધી જામીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તે જેલમાં જ રહેશે.
નીતા ચૌધરીના વકીલની દલીલ: નીતા ચૌધરીના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી અંગે દલીલ કરતા જુના કાયદા ક્રિમિનલ પ્રોસિઝર કોડ (CRPC)ની કલમ 437 1(2)ની કલમમાં આપવામાં જોગવાઇનો ઉલ્લેખ કરીને નીતાને જામીન મળવા જોઈએ તેવી દલીલ કરી હતી અને જણાવ્યું હતું કે જયારે ઘટના બની ત્યારે નીતા કારમાં યુવરાજની બાજુમાં બેઠી હતી અને કાર યુવરાજસિંહ ચલાવી રહ્યો હોવાથી મહિલા કર્મચારી સામે હત્યાના પ્રયાસની કલમ ન લાગવી જોઈએ.નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારી નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના કેસમાં IPC 307 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં જામીન મુક્ત જાહેર કરી હતી.