બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વસતા લોકો મોટા પ્રમાણમાં ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે. અને તેમાંથી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ છેલ્લા દસ વર્ષથી બનાસકાંઠા જિલ્લાના ભાભર, સૂઇગામ, વાવ અને રાધનપુર સહિતના પંથકના લોકો હવે ખેતી અને પશુપાલનની સાથે લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. આ સાથે લીંબોળીનો ખૂબ જ મોટો ઉદ્યોગ વિકસી રહ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું ભાભર માર્કેટયાર્ડ જૂન અને જુલાઈમાં લીંબોળીથી ઉભરાતું હોય છે. અહીં રોજ લાખો રૂપિયાની લીંબોળીનો વેપાર થાય છે. છેલ્લા દસ વર્ષમાં લીંબોળીની માંગમાં ખૂબ જ વધારો થયો છે. જેના કારણે ખેડૂતોના ખેતરના સેઢે ઊભેલા લીમડા પણ હવે ખેડૂતો માટે આવકનો સ્ત્રોત બની ગયો છે.
લીંબોળી બની આવકનો સ્ત્રોત: બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે પાણીના તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે. દસ વર્ષ પહેલાં જે પીવાનું મીઠું પાણી 200 ફૂટે મળતું હતું. તે હવે હજાર ફૂટ સુધી પણ મળતું નથી. તેથી કેટલાક વિસ્તારમાં ખેતી પર માઠી અસર પડતા ખેડૂતોના આવકના સ્ત્રોત ઘટી રહ્યા છે. ત્યારે બીજી તરફ ખેતરમાં ઉભેલા પાંચ-દસ લીમડા પણ ખેડૂતોને સારી આવક કરાવે છે. અહીં ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગની મહિલાઓ માટે આ લીંબોળીનો વ્યાપાર તેમના માટે જીવાદોરી સમાન બની રહ્યો છે.
લીંબોળીમાંથી કેટલી આવક થાય: બનાસકાંઠા જિલ્લાના ભાભર, સુઈગામ અને વાવ તેમજ રાધનપુર સહિત અન્ય તાલુકામાંથી મહિલાઓ અને ખેડૂતો નાના વ્યવસાય સાથે સંકળાયેલ છે. સ્થાનિક મહિલાઓ અને ખેડૂતો ખેતી પશુપાલનની સાથે સાથે આ માર્કેટ યાર્ડમાં જોડાયેલા છે. જેમાં રામભાઈએ જણાવ્યું હતું કે હવે દર વર્ષે તેઓ લીંબોળીમાંથી પણ આવક મેળવી રહ્યા છે. હાઈવેની આજુબાજુમાં આવેલા લીમડા પરથી અને ખેતરમાં ઉભેલા લીમડા પરથી નીચે પડતી અને વેસ્ટ જતી લીંબોળી એકઠી કરે છે. અને ભાભર માર્કેટમાં મહિલાઓ તેમજ યુવાનો સિઝનમાં લીંબોળીને વેચે છે. અને તેમાંથી 15 થી 20 હજાર રૂપિયાની આવક થાય છે. જેથી 4 મહિનાનો ખર્ચ આ લીંબોળીની આવકથી નીકળી જાય છે. આ વર્ષે લીંબોળીના સારા ભાવ હોવાથી માર્કેટ યાર્ડમાં લીંબોળી વેચવા આવતા લોકો પણ ખુબ જ ખુશ છે. તેમજ અન્ય ગરીબ પરિવારના લોકોને પણ લીંબોળીમાંથી આવક મેળવવા જણાવી રહ્યા છે.
ભાભર માર્કેટ યાર્ડના સેક્રેટરી સંજયભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભાભર માર્કેટ યાર્ડ લીંબોળીનું હબ ગણાય છે. વરસાદની સીઝન શરૂ થતા જ આ માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થઈ જાય છે. જેમાં ભાભર સહિત આજુબાજુના સરહદી વિસ્તારના ગરીબ પરિવારના લોકો લીંબોળી વીણી માર્કેટ યાર્ડમાં વેચવા આવતા હોય છે. દર વર્ષે જૂન અને જુલાઈમાં ભાભર માર્કેટ યાર્ડમાં લીંબોળીની આવક શરૂ થાય છે. ચાલુ વર્ષે લીંબોળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં રોજની 1 હજાર બોરી જેટલી આવક થાય છે. તેમજ 350 થી 400 રૂપિયાના પ્રતિ 20 કિલોના ભાવ નોંધાય છે. તેમજ હજુ પણ ભાવ વધવાની શક્યતા જોવા મળી રહી છે. નાના ખેડૂત અને ગરીબ લોકોને આ લીંબોળીમાંથી આવક થાય છે.
આ ભાભર માર્કેટ યાર્ડની લીંબોળી ભારતના અનેક રાજ્યમાં જેમકે આંધ્રપ્રદેશ, કર્ણાટક અને સાઉથ વિસ્તારમાં જાય છે. લીંબોળીનો ઉપયોગ અલગ અલગ કંપનીઓ દ્વારા ખાતર અને બ્યુટી પ્રોડક્ટમાં બનાવવા માટે થાય છે. જેથી દિવસેને દિવસે લીંબોળીની માંગ ખૂબ જ વધી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે લીંબોળીના ભાવ જળવાઈ રહ્યા છે, પરંતુ અત્યારે શરૂઆતમાં દરરોજની 1000 બોરીની આવક નોંધાઈ રહી છે. પરંતુ ધીમે ધીમે આવક વધવાની શક્યતો છે. જેથી દરરોજની 10,000 બોરીની આવક નોંધાઈ શકે છે.
લીંબોળીનો ઉપયોગ કયા કયા થાય: લીંબોળીનો વેપાર માત્ર આ એક જ માર્કેટમાં થાય છે જે ગુજરાતમાં સૌથી વધુ લીંબોળીની આવક ધરાવતું માર્કેટ યાર્ડ છે. માર્કેટના વેપારી જીગરભાઈ પટેલે જણાવ્યું હતું કે દર વર્ષે ભાભર માર્કેટમાં લીંબોળીની ખરીદી થાય છે અને છેલ્લા 10 વર્ષથી લીંબોળીની ખરીદી કરી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. તેમને પોતાની નેકસ્નોલ બાયો સાઈઝ કંપની છે, જેઓ ઇફકો, ક્રિફકો, જીએનએફસી, ચેમ્બર ફર્ટિલાઇઝર અને IPL જેવી કંપનીમાં ન્યુ ઓઇલનું વેચાણ કરે છે. આ લીંબોળીમાંથી સાબુ બનાવવામાં આવે છે. તેમજ કોસ્મેટિકની અલગ અલગ ચીજ વસ્તુઓ અને ખેતીમાં પણ ઉપયોગ થાય છે. જેથી ખેડૂતોને ખૂબજ લાભ થાય છે. અને ખેડૂતોને પેસ્ટીસાઈડનો ખર્ચ પણ ઓછો થાય છે.