સુરત: પાંડેસરા પોલીસ મથકમાં ફરજ બજાવનાર કોન્સ્ટેબલ રોનક હીરાની થોડાક દિવસ પહેલા સસ્પેન્ડ થયા હતા. તેઓએ હાલમાં જ ફેસબુક પોસ્ટ પર આપત્તિ જનક પોસ્ટ લખી હતી. વેપારી સલીમ વાઘડિયાના થનારા વેવાણ વિશે તેઓએ આપત્તિજનક પોસ્ટ મૂકી હતી. જેના કારણે સમાજમાં ચર્ચાઓએ જોર પકડી. આ પોસ્ટ મામલે સલીમ અને તેમનો દીકરો સુમિત સસ્પેન્ડેડ પોલીસકર્મી રોનક હીરાનીને મળવા માટે તેમના ઘરે ગયા હતા અને આ પ્રકારની પોસ્ટ ન લખવા માટે ચર્ચા શરૂ થઈ હતી અને તેમને જણાવવામાં આવ્યું હતું કે આ પોસ્ટ તેઓ ડિલિટ કરી દે. પરંતુ આ વચ્ચે પિતા પુત્ર સાથે રોનક હીરાનીની ઉગ્ર બોલા ચાલી શરૂ થઈ હતી અને રોનકે સલીમના છાતીના ભાગે મુક્કા માર્યા હતા.
'થોડાક દિવસ બાદ મારા લગ્ન હતા. રોનકે મારી સાસુ વિરુદ્ધ પોસ્ટ મૂકી હતી જે ખૂબ જ આપત્તિજનક હતી. જેથી હું અને મારા પિતા તેમને સમજાવવા માટે તેમના ઘરે પહોંચ્યા. આ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા રોનકે મારા પિતાને છાતીના ભાગે માર માર્યો. જેના કારણે તેઓની તબિયત લથડી ગઈ હતી તેમને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.' - સુમિત વાગડિયા, મૃતકના પુત્ર
આરોપી સામે ગુનો દાખલ: ભેસ્તાન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ.ગઢવીએ જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે મૃતકને માર મારવાથી લીવર અને કિડની ફાટી ગઈ છે. જેના કારણે તેનું મોત નીપજ્યું છે. આરોપી રોનક વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મી છે.