વડોદરા : બેંક ઓફ બરોડાની શિનોર શાખામાં એક મહિલાના ખાતામાં શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયા હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ એક મહિલાના ખાતામાંથી અંદાજે રૂ. 20 લાખ ઉપરાંતની માતબર રકમ ઉપડી ગઈ છે. જે ટ્રાન્ઝેક્શન વિશે ખાતેદારને ખબર જ નથી. ખાતેદારે શિનોર બેન્ક ઓફ બરોડા શાખામાં આ ટ્રાન્ઝેક્શન અંગેની લેખિતમાં જાણ પણ કરી છે.
20 લાખ બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન : જાણવા મળતી માહિતી મુજબ શિનોર ખાતે આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતેદાર શકુંતલાબેન પટેલના લોન ખાતામાં 20 લાખ રૂપિયાના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન થયા હોવાની જાણ તેઓએ 22 ઓગસ્ટના રોજ બ્રાન્ચને લેખિતમાં કરેલ છે. પરંતુ બ્રાન્ચના વહીવટદાર દ્વારા તેમને જણાવવામાં આવ્યું કે, આ બીન અધિકૃત ટ્રાન્જેક્શન અંગે અમે વિગતે તપાસ કરીને યોગ્ય નિર્ણય લઇશું.
બેંક કર્મચારીઓ પર જ શંકા : જાણવા મળતી માહિતી મુજબ, શિનોરની બેન્ક ઓફ બરોડા શાખામાં બેંકના કર્મચારી દ્વારા જ ગરબડ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. એટલું જ નહીં પરંતુ આ શાખામાં બીજા અન્ય ત્રણથી ચાર ખાતેદારોના ખાતામાં તેમજ સખી મંડળના એકાઉન્ટમાં પણ આ જ પ્રકારની ગરબડો થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વહીવટી તંત્ર કે જવાબદાર અધિકારીઓ આ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરે તો કોઈ મોટું કૌભાંડ થયું હોવાનું બહાર આવી શકે છે.
હોદ્દેદારો ઢાંકપિછોડો કરતા હોવાની ચર્ચા : આ સમગ્ર ઘટના બનતા કર્મચારીઓનો અને વહીવટી હોદ્દેદારો ઢાંકપિછોડો કરતા હોય તેવું હાલ ચર્ચાઈ રહ્યું છે. એટલું જ નહીં પરંતુ સંડાવાયેલા કર્મચારી અગાઉ બીજી શાખામાં ફરજ બજાવતા હતા, ત્યારે એ શાખાઓમાં આ જ પ્રકારનાં કૌભાંડ અને ગરબડ થઈ હોવાની ચર્ચા ચાલી છે. જે તે સમયે ઉચ્ચ અધિકારીઓએ આવા કર્મચારી વિરૂદ્ધ શિક્ષાત્મક પગલાં ભર્યા હોત તો ફરી આવા કૌભાંડોનું પુનરાવર્તન થયું ન હોત.
બ્રાન્ચ મેનેજરનો જવાબ : બેંક ઓફ બરોડા શિનોર શાખામાં ફરજ બજાવતા બ્રાન્ચ મેનેજર શૈલેષભાઈએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની જાણ ખાતેદાર દ્વારા બેંકમાં કરવામાં આવી છે અને બેંકના ઉચ્ચ અધિકારીઓની ટીમ આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરશે. જો આ કર્મચારીનો કોઈ રોલ હશે, તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. આ બાબતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.