બનાસકાંઠા: વાવ બેઠક એટલે પ્રતિષ્ઠાની જંગ છે. કારણ કે લોકસભા બેઠક ગુમાવ્યા બાદ ભાજપે હવે વાવ વિધાનસભા બેઠકને જીતવા માટે તમામ એક્શન પ્લાન ઘડી નાખ્યા છે, તો બીજી તરફ સાંસદનો વટ ન જાય તે માટે કોંગ્રેસે પણ જીત માટે મથામણ શરૂ કરી નાખી છે.
ભાજપનો એક્શન પ્લાન: પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપે ત્રણ નિરીક્ષકોની પણ નિમણૂક કરી નાખી છે. ત્રણ નિરીક્ષકોમાં યમલ વ્યાસ, અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, સાથે જ પૂર્વ પ્રભારી મંત્રીને હટાવ્યા બાદ નવીન પ્રભારી મંત્રી તરીકે મહેમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને પ્રભારી મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાજપમાં ટીકીટની રેસમાં કોણ?: પૂર્વ કાયદા મંત્રી ભેમાં ચૌધરીના પૌત્ર રજનીશ ચૌધરી, અગાઉ ગેનીબેન ઠાકોર સામે ચૂંટણી લડી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર, ભાજપ નેતા માવજી પટેલ, પૂર્વ સાંસદ પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલ તેમજ વાવ સ્ટેટના રાણા ગજેન્દ્રસિંહ ચૌહાણનું નામ હાલ ચર્ચામાં છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ 22 જેટલા લોકો ટિકિટની રેસમાં છે જોકે આ પાંચ નામોની વધુ ચર્ચા છે. પરંતુ છેલ્લે ભાજપ દ્વારા સ્થાનિક રાજકીય ગણિત જોઈ ઉમેદવાર નક્કી કરાશે.
પહેલા ભાજપ ઉમેદવાર નક્કી કરે: વાવ બેઠક પર પોતાની સત્તા જાળવી રાખવા માટે કોંગ્રેસ ભાજપ દ્વારા ઉમેદવાર નક્કી કરાયા બાદ જ પોતાનો ઉમેદવાર નક્કી કરશે, તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. હાલમાં ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠા જાળવવા માટેની મહત્વની સીટ વાવ માની શકાય છે ત્યારે ભાજપ રાજકીય ગણિત અનુસાર ઉમેદવારો મુકશે. તે બાદ જ કોંગ્રેસ ઉમેદવાર ઉતારશે તેવી ચર્ચાઓએ હાલ તો જોર પકડ્યું છે.
બનાસ ડેરીના વહીવટનો મુદ્દો: લોકસભા ચૂંટણીમાં બનાસ ડેરીના મુદ્દાએ ભારી ચર્ચા જગાવી હતી જે બાદ હવે ફરી એકવાર કોંગ્રેસ બનાસ ડેરીના મુદ્દાને લઈને વાવ સીટ ઉપર કોંગ્રેસ મેદાનમાં ઉતરશે તેવી ચર્ચાઓ છે. સભાસદોને ન્યાય ના મળતો હોવાનું અને વહીવટમાં ક્યાંક કચાશ હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસ તેને મુદ્દો બનાવશે. બનાસ ડેરી સામે નિશાન સાધી તેનો મહત્વનો મુદ્દો બનાવી કોંગ્રેસ ચૂંટણી લડે તેવી ચર્ચા જોવા મળી રહી છે.
આપ પણ ઉતરશે મેદાનમાં: વાવ બેઠક પર ભાજપ કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જંગમાં ઝંપલાવશે અને આ અંગેની જાહેરાત આમ આદમી પાર્ટીના ડો. રમેશ પટેલે કરી છે. રમેશ પટેલે વાવ સીટ ઉપરથી આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસનું ગઠબંધન તોડી આપ પાર્ટી એકલા હાથે વાવ સીટ ઉપર ચૂંટણી લડવા તૈયાર થઈ છે ત્યારે વાવ સીટ પર આગામી દિવસોમાં ત્રિપાંખિયો જંગ જામે તે નક્કી છે.
આ પણ વાંચો: