બનાસકાંઠા: જિલ્લાના વાવ તાલુકાના એક ગામમાં મોડી રાત્રે મહિલાને ઘરની બહાર બોલાવીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ડરી ગયેલ મહિલાએ ઝેરી દવા ગટગટાવી હતી. પરિવારે દવા પીવાનું કારણ પુછતા મહિલાએ બળાત્કાર વિશે જણાવ્યું હતું. આ સમગ્ર મામલે માવસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી છે.
સમગ્ર ઘટનાક્રમઃ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના એક ગામમાં એક મહિલા રાત્રિના સમયે જમવાનું પતાવીને પોતાના ઘરે દીકરી સાથે સૂતી હતી. તે સમયે અસારા ગામના દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ મહિલાના ઘરે પહોંચ્યો હતો. તેને મહિલાને ઘરની બહાર બોલાવી હતી. મહિલા દાદુભાઈના બોલાવવાથી બહાર આવી હતી. દાદુભાઈએ મહિલાને તેમના ઘરની પાછળ લઈ ગયો હતો અને મહિલા કંઈ બોલે તે પહેલા જ તેની સાથે બળાત્કાર કર્યો હતો. દાદુભાઈએ મહિલાને કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
મહિલાએ ઝેરી દવા પીધીઃ મહિલા આખી રાત આ વાતની જાણ કર્યા વગર ડરીને સુઈ ગઈ હતી. બીજા દિવસે મહિલાએ ઝેરી દવા ગટગટાવી દીધી હતી. મહિલાને સારવાર માટે તાત્કાલિક થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. પરિવારે દવા પીવાનું કારણ પુછતા મહિલાએ અસારા ગામના દાદુભાઈએ બળાત્કાર કર્યો હોવાની માહિતી આપી હતી. આબરૂ ન જાય તેથી ઝેરી દવા પીવાનું પગલું ભર્યુ હોવાનું પણ મહિલાએ જણાવ્યું હતું.
પોલીસ કાર્યવાહીઃ આ સમગ્ર ઘટના સંદર્ભે મહિલાએ દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ સામે માવસરી પોલીસ મથકે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે સઘન તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ અંગે માવસરી પોલીસ મથકના PSI વી.એસ. દેસાઈ સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, વાવ તાલુકાના એક ગામની મહિલા સાથે દાદુભાઈ ઉર્ફે વિક્રમસિંહ ચૌહાણ દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે દાદુભાઈની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.