બનાસકાંઠા: બનાસકાંઠા સહિત ઉપરવાસ રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા છે. જોકે હાલમાં બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે જિલ્લા કલેકટર દ્વારા નદીનાળા સહિત જળાશય વિસ્તારમાં પ્રવેશ ના કરવા પર પ્રતિબંધ મૂકતુ જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જોકે તેમ છતાં પણ અમુક લોકો નદીનાળા અને જળાશય વિસ્તારમાં જતા હોય છે અને ડૂબી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના અમીરગઢની બનાસ નદીના ચેકડેમ ખાતે બની છે જ્યાં એક યુવક બનાસ નદીમાં ડૂબી જતા પાલનપુર ફાયર વિભાગ દ્વારા સ્થાનિક તરવૈયાની મદદ લઈ ભારે જહમત બાદ આ યુવકના મૃતદેહને ઊંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો છે.
યુવક બનાસ નદીના ચેકડેમમાં ડૂબી જતા સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી હતી. જે બાદ અમીરગઢ મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાલનપુર ફાયર વિભાગને પણ ઘટનાની જાણ કરાઈ હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી આ યુવકના મૃતદેહને બહાર કાઢી હાલ તો પી.એમ. (પોસમોર્ટમ) અર્થે મોકલવામાં આવ્યો છે.
પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું: આગળની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરાઈ છે સાથે જ બનાસ નદીના ચેકડેમ નજીક ન જવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે અને કલેક્ટર દ્વારા પણ આ અંગે જાહેરનામું બહાર પડાયું હોવાનું નાગરિકોને સ્થાનિક તંત્ર દ્વારા જાણ કરાઈ છે. જેથી કરીને આવી ઘટનાઓ બનતા રોકી શકાય. જોકે હાલ તો યુવકના ડૂબી જવાથી મોતના કારણે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે કહી શકાય કે નજીવી ભૂલોના કારણે ક્યારેક આપણે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે ત્યારે ચોમાસામાં આવા નદીનાળાથી દુર રહેવું જરૂરી છે.