બનાસકાંઠા: પાલનપુર નજીક સદરપુર ગામે કરોડો રૂપિયાના ખર્ચે બનેલી આવાસ યોજના છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. જિલ્લા પાલિકાએ એવી જગ્યાએ અને એવા આયોજન હેઠળ આવાસ યોજના તૈયાર કરી કે 8 વર્ષ અગાઉ તૈયાર થયેલી આવાસ યોજના જ અટવાઈ ગઈ છે અને સરકારના નાણાંનો દૂરપયોગ થઇ રહ્યો છે.
જોકે આ વાતને 8 વર્ષો વીત્યા છતાંય આજદિન સુધી કોઈ જવાબદાર લોકો સામે પગલાં ન લેવાતા લોકોમાં રોષ ભભુક્યો છે. તો બીજી તરફ પાલિકા પ્રમુખ હજુ પણ બાકી હપ્તા લઈ આવાસ ફાળવવાની વાતો કરી રહ્યા છે.
તળાવમાં તરતી રાજીવ આવાસ યોજના: વર્ષ 2016માં ઝૂંપડપટ્ટી વિસ્તારના લોકોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુથી પાલનપુર નગરપાલિકાના હરીપુરા વિસ્તારમાં રાજીવ આવાસ યોજના મંજૂર થઈ હતી. જોકે ત્યારબાદ નેતાઓના રાજકારણમાં અને મતોના રાજકારણમાં આ રાજીવ આવાસ યોજનાના 1392 આવાસ પાલનપુર તાલુકાના સદરપુરા ગામની ગૌચરની જમીનમાં બનાવી દેવાયા હતા. આ જમીનમાં પાલનપુર શહેરના ગંદા પાણીનો નિકાલ કરવા માટે નીમ કરાઈ હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ જમીન પર પાલનપુર નગરપાલિકાએ કોઈપણ જાતની મંજૂરી વગર અથવા તો હેતુફેર કર્યા વિના જ કરોડોના ખર્ચે 1392 આવાસ ઊભા કરી દીધા પરંતુ વંચિતોને લાભ મળવાને બદલે આ આવાસ અત્યારે ખંડેર હાલતમાં છે અને ધૂળ ખાઈ રહ્યા છે.
એક મોટો પ્રશ્ન: સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓને લાભ મળે અને તેમને ઘર મળે તે માટે આ આવાસ યોજના મૂકવામાં આવી હતી. ત્યારે પાલનપુરમાં ગરીબો માટે આવાસ યોજનાના જે મકાન બનાવવામાં આવ્યા છે તે અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે અને તેનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી. લાભાર્થીઓ છે તેમને મકાનમાં રહેવું છે. સરકાર મકાન આપે તો રહેવા જઈ શકે છે. જોકે મકાન તો બનાવી દીધા છે, પરંતુ આ ધૂળ ખાતા મકાન બનીને વર્ષો થઈ ગયા પણ લાભાર્થીઓને કેમ આપવામાં આવતા નથી તે એક મોટો પ્રશ્ન છે.
પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી: જે રાજીવ આવાસ યોજના પાલનપુરના સીમાંકન વિસ્તારમાં બનાવવાની હતી તે પાલનપુર તાલુકાના સદરપુર ગામે બની ગઈ છે, પરંતુ હવે મકાનની લોકોને લાભ મળે વંચિતોને લાભ મળે તે આશાથી પાલનપુર પાલિકાએ ગાંધીનગર ખાતે દરખાસ્ત કરી છે. ઉપરાંત હેતુફેરની મંજૂરી માટેની દરખાસ્ત અને ગંદા પાણીના નિકાલની અન્ય જગ્યાએ વ્યવસ્થા માટેની દરખાસ્ત કરાઈ છે. જોકે મંજૂરી સરકારની મળતાની સાથે જ રાજીવ આવાસનું કામ શરૂ કરાશે અને ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા પણ થશે તેવી જાણકારી આપવામાં આવી છે.
રાજીવ આવાસ યોજનાના 1392 મકાન કરોડોના ખર્ચે બન્યા હતા જે આજે 8 વર્ષ બાદ પણ ધૂળ ખાઈ રહ્યા છે. પાલિકાના સત્તાધીશોએ બિલ્ડર લોબીને બચાવવા માટે પાલનપુરના સીમાંકન વિસ્તારમાંથી રાજીવ આવાસ યોજનાને ખસેડી અને ગ્રામ પંચાયતના વિસ્તારમાં કરી દીધી છે, પરંતુ હવે જોવું એ રહ્યું કે સરકારના કરોડો રૂપિયા ગંદા પાણીમાં જશે કે પછી લાભાર્થીઓને લાભ મળશે.
આ પણ વાંચો: