બનાસકાંઠા: અમીરગઢ ચેકપોસ્ટને અડીને આવેલી રાજસ્થાનની માવલ ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પોલીસની હવાલા નેટવર્ક પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. કરોડો રૂપિયા સાથે પોલીસે બે ઈસમોની અટકાયત કરી છે.
કારમાંથી મળી કરોડોની ચલણી નોટો: આબુરોડ રિક્કો પોલિસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી અનુસાર આ માતબર રકમ દિલ્લીથી અમદાવાદ કારમાં લઈ જવામાં આવી રહી હતી.
વાહન ચેકિંગ દરમિયાન બંને ઈસમોને રોકવામાં આવ્યા અને તેમની પુછપરછ કરવામાં આવી દરમિયાન તેમની વાતો પર શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી જેમાં કારમા ભારે માત્રામાં રોકડ રકમ છુપાવીને લઈ જવામાં આવી રહી હોવાનું જણાયું હતું.
7 કરોડ 1 લાખ 999 રૂપિયા: કાર ચાલક અને તેની સાથે રહેલા ઈસમને રોકડ રકમ વિષે પૂછતાં તેઓએ પોલિસને કોઈ સંતોષકારક જવાબ ના આપતા અને રોકડ રકમના કોઈ પુરાવા પણ ન બતાવતા રાજ્સ્થાન પોલિસ દ્વારા રોકડ રકમ ભરેલ કારને રિકકો પોલિસ સ્ટેશનમાં લઈ જવામાં આવી હતી અને આ રકમની ગણતરી કરવાની તજવીજ હાથ ધરાઈ હતી જોકે રકમ વધુ હોવાના કારણે તેને ગણવા માટે બેંકમાંથી કાઉન્ટિંગ મશીન મંગાવવાની ફરજ પડી હતી જેના દ્વારા ગણતરી કરતા કારમાં લઈ જવામાં આવી રહેલ રકમ સાત કરોડ એક લાખ નવસો નવ્વાણું રૂપિયા થઈ હતી.
આયકર વિભાગને કરાઈ જાણ: આબુરોડ રિક્કો પોલીસે કારમાં ગેરકાયદેસર ભારે માત્રામાં રોકડ રકમ લઈ જનાર દાઉદ સિંધી ગોરાઠ અને સંજય રાવલ નામના બે શખ્સની અટકાયત કરી છે. હાલમાં પોલીસ દ્વારા રકમ ક્યાંથી લાવવામાં આવી અને કોને ડીલીવરી આપવાની હતી તેની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવી રહીં છે. સાથે જ પોલીસ દ્વારા મોટી માત્રામાં મળેલ રકમ વિશે આયકર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.