પાટણ : પાટણ જિલ્લાના સાંતલપુર નજીક પીપરાળા ચેકપોસ્ટ પાસેથી લકઝરીબસમાં રૂા .૫૦૦ ના દરની રૂા 2,23,000ની કુલ 446 નકલી નોટો સાથે મુસાફરી કરી રહેલ મુળ બિહારના અને હાલ રાજસ્થાન બિકાનેર ખાતે રહેતા ગણેશ બિહારી નામના યુવાનને સાંતલપુર પોલીસે ઝડપી લીધો હતો . આ યુવાન નકલી આ નોટો સાથે બિકાનેરથી મોરબી જઇ રહ્યો હતો. પોલીસે તેની પાસેથી નકલી નોટો , મોબાઇલ ફોન , ડેબીટ કાર્ડ , પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને નકલી નોટોની આ હેરાફેરીમાં સંડોવાયેલ બિકાનેરના અન્ય એક શખ્સ વિરુધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
પીપરાણા ચેક પોસ્ટર પરથી યુવાનને દબોચ્યો : બનાવની પ્રાપ્ત વિગતો મુજબ સાંતલપુર પોલીસ હાઇવે પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમી મળેલ કે , રાજસ્થાન તરફથી આવતી એક લકઝરી બસમાં નકલી નોટો સાથે એક શખ્સ મુસાફરી કરી રહ્યો છે. જે આધારે પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી હતી. દરમ્યાન ગણેશ ટ્રાવેલ્સની લકઝરી બસ આવતા તેમાં ચડી તલાશી લેતા ગણેશ બિહારી બેઠુ કામત ( હાલ રહે . બિકાનેર , જરુસરગેટ , રાજસ્થાન – મુળ રહે . ડોર , જિ . મધુબન્ની બિહાર ના પાકીટમાંથી પ્રથમ રૂા .500 ના દરની6 બનાવટી નોટો મળી આવી હતી. ત્યાર તેના પાસે રહેલ કપડાના થેલાની તલાશી લેતા તેમાંથી પણ રૂા 500 ના દરની440 નંગ નકલી નોટો મળી આવી હતી.
અન્ય એકની સંડોવણી : પોલીસે કુલ રૂા 2,23,000 -ની કિંમતની 500 ના દરની 446 નકલી નોટો , રૂા 50 ની અસલી ચલણી નોટો , મોબાઇલ ફોન , યુનિયન અને એસ.બી.આઇ. બેન્કના ડેબીટ કાર્ડ -૩ , પાસબુક -૧ , ચેકબુક –૧ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો . પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટોનો આ જથ્થો તે રાજસ્થાનના બિકાનેરથી મોરબી લઇ જતો હોવાનું જણાવી નકલી નોટોની આ હેરાફેરીમાં દેવ કિશન ઓઝા ( રહે . બિકાનેર , રાજસ્થાન ) પણ સંડોવાયેલ હોવાનું જણાવતા સાંતલપુર પોલીસે બંને વિરુધ્ધ આઇ.પી.સી. કલમ489 – B, 489 C અને 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પાટણ એસ.ઓ.જી. પોલીસને સુપ્રત કરી છે.
અન્ય એકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા : આ બાબતે સાંતલપુર પીએસઆઇ એચડી મકવાણાએ ટેલીફોનિક વાતચીત માં જણાવ્યું હતું કે બાદની આધારે એક રાજસ્થાની યુવકને નકલી નોટો સાથે ઝડપી લીધો છે. હાલ પોલીસ દ્વારા નકલી નોટો સાથે ઝડપાયેલ ગણેશ બિહારીની ધરપકડ કરી કિશન ઓઝાને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી અગાઉ આવી નકલી નોટો કઈ કઈ જગ્યાએ આપી છે અને અન્ય કોઇ સંડોવાયેલ છે કે નહીં ! તે દિશામાં તપાસ હાથ ધરી છે.