બનાસકાંઠા : ભાભર તાલુકાના દેરીયાવાળા રૂની પ્રાથમિક શાળામાં ત્રીજા ધોરણમાં ભણતા બાળકને ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. શાળાના શિક્ષકે બાળકને પીઠ તેમજ ગાલ ઉપર માર માર્યાનો વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના નિશાન પણ દેખાયા હતા. ભોગ બનનાર વિદ્યાર્થીના વાલીએ પોલીસ મથકે શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બાળકને માર મારતા ભારે રોષ જોવા મળ્યો રહ્યો છે.
શિક્ષકે બાળકને ઢોર માર માર્યાનો આક્ષેપ : આ મામલે ભોગ બનનાર વિદ્યાર્થીના પિતાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, ભાભર તાલુકાના દેરિયાવાળા રૂની પ્રાથમિક શાળામાં ગત શનિવારના રોજ શિક્ષક ચિંતનભાઈ ચૌધરીએ ત્રીજા ધોરણમાં ભણતા મારા પુત્રના અક્ષર સારા ન આવતા ગાલ તેમજ પીઠના ભાગે લાત તેમજ સોટી વડે માર માર્યો હતો. જોકે, બાદમાં વિદ્યાર્થીની તબિયત લથડતાં ભાભર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. તેમજ ભાભર પોલીસ મથકે આ બાબતે જાણ કરવામાં આવી છે.
શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ : ભાભર વિસ્તારમાં ટોક ઓફ ધી ટાઉન બનેલા આ કિસ્સામાં આખરે પોલીસે તપાસ બાદ શિક્ષક ચિંતનભાઈ ચૌધરી વિરુદ્ધ 5 ડિસેમ્બરના રોજ ફરિયાદ દાખલ કરતા ભાભર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ શિક્ષકે અગાઉ સુઇગામ તાલુકાના મોરવાડા તેમજ ઉચોસણ ગામે નોકરી કરી છે, ત્યાં પણ વિવાદમાં રહેલા તેમજ શિક્ષકના ભૂતકાળની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તો અનેક રહસ્યો બહાર આવશે તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.
સમાધાન માટેની મથામણ બાદ પણ ભોગ બનનાર બાળકના પિતા ફરિયાદ માટે મક્કમ રહેતા લાંબા વિવાદ બાદ ફરિયાદ દાખલ થતા બાળકને આખરે ન્યાય મળશે તેવો આશાવાદ લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.