બનાસકાંઠા : ટ્રાફિક નિયમોને નેવે મૂકી વિદ્યાર્થીઓને મોતની મુસાફરી કરાવતા બેદરકાર વાહનચાલકનો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો દાંતા વિસ્તારનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, આ જીપની અંદર અને ઉપર વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા છે. એટલું જ નહીં ખીચોખીચ વિદ્યાર્થીઓથી ભરેલી આ જીપ રસ્તામાં બંધ પડી જતા, વિદ્યાર્થીઓ પાસે જ બંધ ગાડીને ધક્કો મરાવવામાં આવી રહ્યો હોવાનું પણ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
વાયરલ વીડિયો : એક તરફ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક ઝુંબેશ ચલાવી વાહનચાલકોને નીતિ નિયમોનું ભાન કરાવવામાં આવી રહ્યું છે. ત્યારે હજુ પણ ક્યાંકને ક્યાંક એવા વાહનચાલકો છે જે નીતિ નિયમોને ઘોળીને પી ગયા છે. આવા જ દ્રશ્યો સામે દાંતા વિસ્તારમાંથી સામે આવ્યા છે. જેમાં ટ્રાફિકના તમામ નિયમો મૂકી દેવામાં આવ્યા છે.
"આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે." -- એ. વી. જાડેજા (PI, જિલ્લા ટ્રાફિક પોલીસ)
મોતની સવારી : એટલું જ નહીં નાના બાળકો એટલે કે વિદ્યાર્થીઓના જીવની પણ આ વાહનચાલકોને કોઈ જ પડી નથી. નાની બાળકીઓ જીપના ઉપરના ભાગે બેઠેલી છે અને જીપના અંદર પણ વિદ્યાર્થીઓને બેસાડી આ જીપચાલક મોતની સવારી કરાવતો હોય તેમ બેખોફ રોડ પર નીકળ્યો છે.
પોલીસ વિભાગની કાર્યવાહી : આ બાબતે જિલ્લા ટ્રાફિક PI એ. વી. જાડેજાએ ટેલિફોનિક માહિતી આપતા કહ્યું કે, આ વિડીયો અમારા ધ્યાને આવ્યો છે. સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગને આવા વાહનચાલકો સામે કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સાથે જે અંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ આ પ્રકારે મુસાફરો બેસાડે છે, તેમને કાયદાની જાણકારી આવે તે દિશામાં પણ પ્રયાસો શરૂ કર્યા છે.