ગાંધીનગરઃ કોંગ્રેસ સાંસદ OBC અનામતને બે ભાગમાં વહેંચવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખતા રાજકીય માહોલ ગરમાયો છે. લોકસભામાં ચૂંટણી એક માત્ર કોંગ્રેસે બેઠક બનાસકાંઠા મળી છે. આ બેઠકમાં ગેનીબેન ઠાકોર ભવ્ય જીત મેળવ્યા બાદ સતત આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ આક્રમક રૂપ આજે જોવા મળ્યું એટલે કે, ગેનીબેન ઠાકોરે આજે પ્રધાનમંત્રી મોદીને OBC સમુદાયને મળતી અનામતને બે ભાગમાં વહેંચવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીને બે પાનાના પત્ર મારફત રજૂઆત કરી છે. પ્રધાનમંત્રી મોદીને OBC સમુદાયને અનામતને બે ભાગમાં વહેંચવાની રજૂઆત ગેનીબેન ઠાકોરે કરી છે.
રાજ્યમાં OBC અનામતના લાભથી વંચિત રહી ગયેલી જાતિઓને OBC કેટેગરીમાં અલગથી અનામત આપવાની માંગણી બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કરી છે. ગેનીબેન ઠાકોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને પત્ર લખ્યો છે. પત્રમાં ગેનીબેન ઠાકોરે OBC અનામતને બે ભાગમાં વહેંચણી કરવાની માંગણી કરી છે. જે સમાજને OBC અનામતનો લાભ મળ્યો નથી તેવા સમાજને 27% પૈકી 20 ટકા અનામત આપવાની માંગણી ગેનીબેન ઠાકોરે કરી છે. જ્યારે અનામતનો લાભ લઈને સમૃદ્ધ બનેલી જાતિઓને 7% OBC અનામતનો લાભ આપવાનું તેમણે સૂચન કર્યું છે.
ગુજરાતમાં કોંગ્રેસના એક માત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે વડાપ્રધાનને સંબોધીને લખેલા પત્રમાં શું લખ્યું છે ચાલો જાણીએ...
તેમણે લખ્યું છે કે, ગુજરાતમાં OBCમાં 146 જાતિઓ આવે છે. પરંતુ તેમાંથી ઠાકોર, કોળી, ધોબી, મોચી, વાદી, વાંસકોડા, ભોઈ, નુતારા, ડબગર, ડફેર, ફકીર, ભુવારિયા, કાગડિયા, ખારવા, મદાર, ભરથર, નટ, બરૈયા, રાવળ, સલાટ, સલાડિયા, વણઝારા, દેવીપૂજક આવી અનેક જાતિઓ છે. દેશના આઝાદ થયા આટલા વર્ષ પછી પણ ઘણી જાતિઓ વિકાસથી વંચિત છે.
તેનું મુખ્ય કારણ તેઓને મળતા OBC અનામતના લાભોમાં બહુ મોટી અસમાનતા છે. મેં ઉપરોક્ત જણાવેલી જાતિઓ ગુજરાતમાં આર્થિક અને સામાજિક રીતે અત્યંત પછાત છે. માટે તેઓ OBC અનામતનો જોઈએ તેટલો લાભ શૈક્ષણિક અને રોજગારમાં લઈ શકતા નથી. તેનું મુખ્ય કારણ OBCમાં આવતી બીજાં પાંચ કે 10 જાતિઓ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ છે. સામાજિક રીતે સવર્ણ સમાજ સાથે જોડાયેલી છે. OBCની 27% અનામતમાંથી 90 ટકાથી વધુ લાભ આ પાંચ દસ જાતિઓ લઈ જાય છે. તેના લીધે આ અત્યંત પછાત જાતિઓ OBCનો લાભ લઈ શકતી નથી. તે કારણ કે OBCમાં આવતી પાંચથી દસ જાતિઓ સામાજિક અને આર્થિક રીતે સમૃદ્ધ છે.
સર્વે કરવાની માગઃ તેમની સરખામણીમાં અતિપછાત જાતિઓ OBCનો મળતો લાભ લઈ શકતી નથી. સરકાર દ્વારા 27% OBC અનામત મળે છે, તેમાથી મેં જણાવેલી ઉપરોક્ત અતિપછાત જાતિઓને 27% માંથી એક ટકો કે બે ટકો લાભ મળે છે. OBCની 27% અનામતમાંથી ઠાકોર, કોળી અને મેં જણાવેલી ઉપરોક્ત જાતિઓ તેમજ આવી બીજાં અતિ પછાત જાતિઓ કે જેમને છેલ્લા 20 વર્ષમાં શૈક્ષણિક અને સરકારની નોકરીમાં કેટલો લાભ મળ્યો છે તે સર્વે કરવામાં આવે.
અસમાનતા વધવાનો ડરઃ ઠાકોર અને કોળી તેમજ ઉપરોક્ત મારી બતાવેલી જાતિઓ તેમજ તેમના જેવી અન્ય અતિપછાત જાતિઓને જેમને છેલ્લા 20 વર્ષમાં શૈક્ષણિક કે રોજગારમાં અનામતનો લાભ નથી મળ્યો એવી જાતિઓ ને 27% માંથી 20 ટકા અનામત અલગ આપવામાં આવે એવી ગેનીબેને માંગણી કરી છે. જો આમ નહીં કરવામાં આવે તો OBCમાં આવતી જાતિઓમાં આર્થિક અને સામાજિક અસમાનતા વધતી રહેશે. આ પાંચ કે દસ જાતિઓ OBCનો લાભ લઈને વધુને વધુ સુખી અને સમૃદ્ધ થતા રહેશે. ઠાકોર, કોળી અને અન્ય પછાત જાતિઓ વધુને વધુ ગરીબ પરિસ્થિતિમાં જોવા મળશે.
ગેનીબેને વિનંતી કરી છે કે OBC અનામતથી છેલ્લા 20 વર્ષમાં સૌથી વધુ લાભ લેનાર જાતિઓને પછાત તરીકે 7% અનામત અને જેમને છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછો લાભ મળ્યો છે એવી મારી જણાવેલી ઉપરોક્ત જાતિઓ તેમજ બીજાં જેમને લાભ નથી મળ્યો એવી અતિપછાત જાતિઓને 20% અલગ અનામત આપવામાં આવે.
ગેનીબેન ઠાકોર તાત્કાલિક સર્વે કરવાની માંગણી કરી છે. ગુજરાતમાં OBCમાં આવતી 146 જાતિનો સમાવેશ થાય છે. 146 જાતિઓ પૈકી જેમને વધુ લાભ મળ્યો છે તે જાતિઓને 27 ટકા પૈકી 7% અનામતનો લાભ આપવાંની તેમણે માંગણી કરી છે. જે જાતિને OBCનો લાભ નથી મળ્યો તેવી અતિ પછાત જાતિઓને 20% અલગ અનામત આપવામાં આવે એવી ગેનીબેને માંગણી કરી છે. OBCમાં આવા 2 ભાગ ભારતમાં કેટલા સ્થાનોએ કરવામાં આવ્યા છે. જેમકે મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, બિહાર જેવા અન્ય ઘણા રાજ્યોમાં કરવામાં આવેલા છે. જેથી OBCમાં આવતા બધા સમાજોનો સરખો લાભ મળતો રહે.
શું કહે છે ભાજપઃ અનામત બે ભાગમાં વહેંચવા મુદ્દે ગેનીબેન ઠાકોરના નિવેદન મુદ્દે ભાજપના પ્રવકતા ડો. યજ્ઞેશ દવેનું નિવેદન આવ્યું હતું. તેમણે જણાવ્યું કે દરેક રાજ્યમાં કોઈ જ્ઞાતિ સરખા પ્રમાણમાં હોતી નથી. દરેક જ્ઞાતિ માટે 27 ટકા અનામત નક્કી થતી હોય છે. અનામતમાં પણ પેટા અનામત મળવીએ યોગ્ય લાગતું નથી. દેશના બંધારણ મુજબ પણ યોગ્ય નથી. SC, ST માટે પણ પેટા અનામત માંગ થઈ હતી. જે અનામત હોય તેમાં ભાગ ના પડે તે સ્પષ્ટ છે.
સંસદમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી પણ સતત દેશમાં જાતિગત વસ્તી ગણતરીને માંગણી કરી રહ્યા છે. ગુજરાતી લોકસભા ચૂંટણીના જનસભાઓમાં જાતે આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવીને મૃતપાય કોંગ્રેસને પુનઃજીવિત કરવામાં સફળ રહ્યા છે. લોકસભા ચૂંટણી બાદ પણ તેઓ સતત જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે. જાતિ આધારિત વસ્તી ગણતરી કરીને વસ્તીના આંકડા અનુસાર દેશના સંસાધનોની ફાળવણીની તેઓ હિમાયત કરી રહ્યા છે.
ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે દરેક પક્ષોએ બનાવ્યા જાતિના સમીકરણ
ગુજરાતમાં જાતિના સમીકરણોથી ચૂંટણીમાં હારજીતનો ઇતિહાસ જૂનો છે. ભૂતકાળમાં દરેક પક્ષોએ પોતાની વોટ બેંક ઉભી કરવા માટે જાતિના સમીકરણો બનાવ્યા હતા. કેટલાક સમીકરણો સફળ રહ્યા જ્યારે કેટલાક સમીકરણ તારી સફળતા મળી ન હતી. દરેક ચૂંટણી વખતે રાજકીયપક્ષો પોતાની ગણતરી પ્રમાણે, આ સમીકરણ બેસાડવા માટે પ્રયાસ કરતા હોય છે, ચાહે ચાહે તે KHAM હોય 'પક્ષ', PODA, PODAM, KHAM, OPT કે PHAK.
સામાન્ય રીતે ગુજરાતમાં KHAM (ખામ) સમીકરણની વાત થાય એટલે 1985ની વિધાનસભા ચૂંટણીની વાત થાય, પરંતુ તેનાં મૂળ 1977માં કોંગ્રેસના ચૂંટણીધોવાણમાં રહેલાં છે. KHAM (ક્ષત્રિય, હરીજન, આદિવાસી, મુસ્લિમ) આ સમીકરણને આધારે કોંગ્રેસે 1980 અને 1985 ની ચૂંટણીમાં જવલંત સફળતા મેળવી હતી.
કોંગ્રેસની "ખામ" થીયરી સામે ચીમનભાઈ "કોકમ" થિયરી લાવ્યા
કોંગ્રેસના KHAM સમીકરણની સામે ચીમનભાઈ પટેલે KoKaM (કોકમ) સમીકરણ ઊભું કર્યું હતું, જેમાં 'Ko' કોળી, 'Ka' કણબી (પટીદાર) અને 'M' મુસ્લિમ હતા. ચીમનભાઈ પટેલના કારણે મુસ્લિમો જનતા દળ તરફ ગયા હતા. જ્યારે કોંગ્રેસ સરકારમાં અવગણનાનો અનુભવ કરી રહેલા પાટીદાર સમુદાયે જનતા દળ અને ભાજપને સાથ આપ્યો હતો.
ભાજપે 1995 માં PHAK સમીકરણથી વિજય મેળવ્યો
ભાજપે 1990 ની વિધાનસભા ચૂંટણી જનતા દળ ગુજરાત સાથે ગઠબંધન કરીને લડી હતી. અયોધ્યા રામ મંદિર મુદ્દે ભાજપે ચીમનભાઈ સરકારને ટેકો પાછો ખેંચી લેતા જનતા દળ ગુજરાતનું કોંગ્રેસમાં વિલય થયું હતું. 1995 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એકલા હાથે જપલાવ્યું હતું. 1995 તથા 1998માં PHAK સમીકરણ સાધવાથી ભાજપને સત્તા મળી હતી. જેમાં પટેલ (P), હરિજન (H), આદિવાસી (A) અને ક્ષત્રિય (K) હતા.
2022 માં કોંગ્રેસનું PODAM નું સૂત્ર નિષ્ફળ રહ્યું
ગુજરાતની 2022 વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસને PODAMનું સૂત્ર આપ્યું હતું, જેમાં P - પટેલ, O - OBC, D - દલિત, A - આદિવાસી અને M - મુસલમાનોનો સમાવેશ થતો હતો. પાર્ટી એ સૂત્ર પર જ આગળ વધી હતી. આ સૂત્રનો કોંગ્રેસને ચૂંટણીમાં કોઈ ખાસ ફાયદો થયો ન હતો. કોંગ્રેસ માત્ર 17 સીટ મળી હતી. આપને 5 સીટ મળી હતી. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે વોટનું વિભાજન થતા સીધો ફાયદો ભાજપને થયો હતો. ભાજપ 156 સીટ મેળવામાં સફળ રહ્યું હતું. OBC અનામતમાં પેટા અનામત આપીને નીતીશકુમાર બિહારની રાજનીતિમાં સફળ રહ્યા હતા. તેવી જ રીતે ગેનીબેનનો આ દાવ કેટલો સફળ થાય તે આગામી દિવસોમાં જ ખબર પડશે.
આ પણ વાંચો: