બનાસકાંઠા: બનાસકાંઠામાં ફરી એકવાર નશાયુક્ત પદાર્થોની હેરાફેરી કરતા નશાના સોદાગરોને પોલીસે ઝડપી પાડ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં પંજાબ,રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી નશાયુક્ત પ્રદાર્થ ગુજરાતમાં ઘુસાડવાના અવનવા પ્રયાસો થતા હોય છે ત્યારે આવા જ એક પ્રયાસને નિષ્ફળ બનાવવામાં અમીરગઢ પોલીસને સફળતા મળી છે.
અમીરગઢ પોલીસની સતર્કતાથી ઝડપાયું ડ્રગ્સ: બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ચેકપોસ્ટ પરથી રાજસ્થાન પાર્સિંગની હોન્ડા સિટી કારમાંથી અંદાજિત 100 ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું, કારમાં સવાર મધ્યપ્રદેશના એક યુવક-યુવતીની પણ અટકાયત કરવામાં આવી છે. આ બંનેની અટકાયત બાદ પોલીસે ગુનો નોંધી કડક પૂછપરછ હાથ ધરી હતી અને બંને લોકો એમડી ડ્રગ્સ કયાંથી લાવ્યા અને ક્યાં લઈ જઈ રહ્યા હતા તે દિશામાં હવે તપાસ આરંભી છે.
અંદાજીત 10 લાખનું MD ડ્રગ્સ હાથ લાગ્યું: અમીરગઢ પોલીસે અંદાજીત 10 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સહિત આશરે 15 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. અમીરગઢ ચેકપોસ્ટએ સંવેદનશીલ ચેકપોસ્ટ ગણવામાં આવે છે, કારણ કે અમીરગઢ ચેકપોસ્ટ રાજસ્થાન-ગુજરાતને જોડતા નેશનલ હાઈવે પર બોર્ડર પર આવેલી ચેક પોસ્ટ છે. અહીંથી જ અવાર-નવાર દારૂ ગુજરાતમાં ઘુસાડવા માટે અવનવા કિમીયા ઘડવામાં આવે છે, પરંતુ હંમેશા અમીરગઢ સહિત જિલ્લા એલસીબીની ટીમ સતર્ક રહે છે અને દારૂ સહિત નશાના કારોબારીઓના હિન પ્રયાસને નિષ્ફળ બનાવતી રહે છે.