વડોદરા: વડોદરા નજીક ઉંડેરામાં બંધ મકાનમાં રહેતા બે પરપ્રાંતિય યુવકો વચ્ચે એકાએક કોઈ કારણોસર ઝઘડો થયો હતો. ત્યાર
બાદ એક યુવકે બીજા યુવક ઉપર તિક્ષણ હથિયાર વડે ઘા મારીને તેની હત્યા કરવાની ઘટના સામે આવી છે. સમગ્ર બનાવમાં જમીન લોહીથી ખરડાયેલી મળી આવી હતી. આ ઘટનામાં આરોપી ફરાર થયો હતો. ઘટનાની જાણ જવાહરનગર પોલીસને થતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવી ધટનાની વિગતો મેળવી આરોપીને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.
મિત્ર ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો: વડોદરા ઉંડેરા વિસ્તારમાં બંધ શાળામાં કેટલાક પરપ્રાંતિય યુવકો ભાડે રહેતા હતા. તે પૈકી આયુષ યાદવ અને ધીરજ દાસ વચ્ચે આજે સવારે ઝઘડો થયો હોવાની માહિતી સૂત્રો દ્વારા જાણવા મળી છે. ઝધડો એટલો ઉગ્ર બન્યો કે, આયુષ યાદવે તિક્ષણ હથિયાર વડે સાથે રહેતા ધીરજ દાસ ઉપર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા ધીરજ દાસ જમીન ઉપર ઢળી પડ્યો હતો.
એક રૂમમાં 4 મિત્રો રહેતા હતા: જવાહરનગર પોલીસનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી સમગ્ર ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં હત્યા કરનાર મિત્ર આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સાથે આ બંધ સ્કૂલના રૂમો માલિકે પરપ્રાંતીય યુવકોને ભાડે આપ્યા હતા તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ યુવકો એન્જિનિયરિંગ કંપનીમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા હતા અને રૂમમાં 4 યુવાનો રહેતા હોવાનું હાલમાં સામે આવ્યું છે.
પોલીસે તપાસ હાથ ધરી: સમગ્ર ઘટનાની જાણ જવાહરનગર પોલીસને કરતા પોલીસ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર બનાવની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી દીધી હતી અને ફરાર આરોપીને શોધવાના ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ જાણવા મળતી માહિતી મુજબ આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ ફરાર આરોપીને પકડી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
રહેણાંક મકાન તરીકે શાળાનો ઉપયોગ: બંધ પડેલી શાળાનો રહેણાંક મકાન તરીકે ઉપયોગ કરવાની મંજુરીને લઇને લોકચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે. પોલીસે ઉપરોક્ત મામલે ઝીણવટભરી વિગતો એકત્ર કરીને કેસ ઉકેલવાની દિશામાં વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વડોદરામાં હત્યાના બનાવો વધ્યા પોલીસ તંત્ર ઉપર સવાલો: છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા શહેરમાં દિન પ્રતિદિન હત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. હત્યા કરનાર પોતાના જ રૂમમાં રહેતા મિત્રને જ મોતને ઘાટ ઉતરતા ચકચાર મચી જવા પામી છે. થોડાક દિવસ અગાઉ જ લૂંટના ઇરાદે પાડોશીના સાવકા દીકરાએ 70 વર્ષીય વૃદ્ધાની હત્યા કરી નાખી હતી. ત્યારે એક બાદ એક હત્યાના બનાવો આ સંસ્કારીનગરી માટે એક ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં ચાલતી ચર્ચા મુજબ પોલીસ તંત્રએ આ બાબતે વધુ ધ્યાન આપી સુરક્ષામાં વધારો થાય તેવા પ્રયત્ન કરવા જોઈએ.