પોરબંદર: આજના યુવાનોમાં ફૂટબોલ પ્રત્યે વધુ આકર્ષણ જોવા મળી રહ્યું છે. ફૂટબોલમાં ભવિષ્ય બનાવવાનું યુવાનો હવે પસંદ કરી રહ્યા છે ત્યારે સામાન્ય ફૂટબોલ નહીં પરંતુ બીચ ફૂટબોલ એટલે કે સોકર ગેમમાં યુવાનો વધુ રસ લઈ રહ્યા છે. પોરબંદર ચોપાટી ખાતે ભારતની ટીમનું સિલેક્શન કરવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ રાજ્યમાંથી યુવાનો આ કેમ્પમાં જોડાયા હતા અને પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું.
25 ખેલાડીઓને ફાઈનલ સિલેક્શન: જેમાં ખાસ કરીને ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, લક્ષદીપ, દમણ, ઝારખંડ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતના ખેલાડીઓ આવ્યા હતા. કુલ આવેલ 80 ખેલાડીઓમાંથી પહેલા 40 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા અને 25 ખેલાડીઓને ફાઈનલ સિલેક્શન કરાશે. આ સિલેક્શન કરવા માટે ભારતના ભૂતપૂર્વ ફૂટબોલ ખેલાડી અને ઓલ્યમપીકમાં ભાગ લેનાર, હૈદરાબાદના જી.પી ફાલ્ગુને હાજરી આપી છે.
ફૂટબોલ એસોસિએશનનો પ્રયાસ: જી.પી ફાલ્ગુન ભારતીય બીચ સોકર કમિટીના ચેરમેન અને ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનની એક્ઝિક્યુટિવ કમિટીના પણ એક સભ્ય પણ છે. તેમજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના સેક્રેટરી અને એશિયન ફૂટબોલ કોન્ફરેડેશનના બીચ સોકર અને ફુટસલ (ઇન્ડોર ફુટબોલ)ની કમિટીના એક સભ્ય મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,'આ ભારતીય ટીમનું 25 ખેલાડીઓનું સિલેક્શન કરેલું છે. આ સિલેક્ટ થયેલી ભારતીય ટીમ હવે ગોવા ખાતે કેમ્પમાં હાજરી આપશે અને ત્યારબાદ તેઓ થાઈલેન્ડ ખાતે રમનારી એશિયન ફૂટબોલ કાઉન્સિલ કપના મેચો રમવા જશે. ત્યારબાદ બીચ સોકર વર્લ્ડ કપમાં પણ ભાગ લેશે. પોરબંદર જિલ્લા ફૂટબોલ એસોસિયેશનનો આ ખૂબ મોટો પ્રયાસ છે.'
15 દિવસથી કાર્યક્રમ ચાલતો હતો: 'સૌરાષ્ટ્ર અને ગુજરાતના દરિયા કિનારે બીચ સોકર જેવી રમતને જો રાજ્ય સરકાર તરફથી વેગ અને પ્રોત્સાહન મળશે, તો ગુજરાતના દરિયા કિનારાની એક ખાસ પર્યટન સ્થળોમાં પણ વિશ્વ સ્તરે નવી ઓળખ ઊભી થશે. પોરબંદર જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના સેક્રેટરી કૃષ્ણકાન્ત સીમરીયા, તેમજ હોદ્દેદારો ભાગ્યવર્ષ જાડેજા, હરદેવસિંહ ઝાલા બધાનો ખૂબ જ સાથ અને સહકાર મળતા આ કાર્યક્રમ છેલ્લા 15 દિવસથી પોરબંદરના દરિયા કિનારે સારી રીતે પાર પાડવામાં આવ્યો છે. આ બાબતે પોરબંદર નગરપાલિકાનો સાથ અને સહકાર મળ્યો છે.' તેવું ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના સેક્રેટરી મૂળરાજસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: