મોરબીઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીના ૨૦૦મા જન્મોત્સવ 'જ્ઞાન જ્યોતિ પર્વ-સ્મરણોત્સવ'ની ઉજવણીમાં ભાગ લેવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ટંકારા પધાર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ આર્ય સમાજ મુખ્ય મહાનુભાવોએ રાષ્ટ્રપતિનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. કરસનજીના આંગણા ખાતે નિર્મિત યજ્ઞશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનકુંડમાં આહુતિ અર્પણ કરી સમસ્ત જીવોનું કલ્યાણ થાય તેવી મંગલકામના રાષ્ટ્રપતિએ વ્યક્ત કરી હતી. આ મંગળ અવસરે કન્યા ગુરુકુલ, વારાણસીના પ્રાધ્યાપકો તથા છાત્રાઓએ મહાનુભાવોએ વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. રાષ્ટ્રપતિ આ કાર્યક્રમમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના સ્મારક જ્ઞાન જ્યોતિ તીર્થનો શિલાન્યાસ કર્યો હતો.
ભારત ભૂમિમાં સ્વામી દયાનંદ સરસ્વતી જેવી અનેક વિભૂતિઓએ જન્મ લીધો છે. આર્ય સમાજની સંસ્થાઓ માનવતાના વિકાસ માટે સતત કાર્યરત છે. સ્વામીજીના વિચારોનો પ્રભાવ લોકમાન્ય તિલક, લાલ લજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ ઉપર પણ જોવા મળ્યો હતો...દ્રોપદી મૂર્મુ(રાષ્ટ્રપતિ)
રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુનું સંબોધનઃ ટંકારા પધારેલા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, ટંકારામાં દયાનંદ સરસ્વતીની જન્મ ભૂમિની મુલાકાત લેવી તે મારા માટે સૌભાગ્યની વાત છે. સ્વામીજીની પાવન સ્મૃતિમાં તેમના જન્મ સ્થાનના રાષ્ટ્રપતિએ વંદન કર્યા હતા. તેમણે આ મહોત્સવને એતિહાસિક અવસર ગણાવ્યો હતો. ભારત ભૂમિમાં સ્વામી દયાનંદ સરસ્વતી જેવી અનેક વિભૂતિઓએ જન્મ લીધો છે. આર્ય સમાજની સંસ્થાઓ માનવતાના વિકાસ માટે સતત કાર્યરત છે. સ્વામીજીના વિચારોનો પ્રભાવ લોકમાન્ય તિલક, લાલ લજપતરાય જેવા મહાન ક્રાંતિકારીઓ ઉપર પણ જોવા મળ્યો હતો.
નારી સ્વાભિમાન માટે સતત પ્રયત્નશીલઃ આર્ય સમાજના અનુયાયીઓએ નવી ચેતનાનો સંચાર કર્યો છે. સ્વામી દયાનંદ સરસ્વતીજીએ સમાજ સુધારણાનું બીડું ઝડપ્યું હતું. સત્યાર્થ પ્રકાશ નામે અમર ગ્રંથ તેઓએ લખ્યો હતો. રાષ્ટ્રપતિએ ગાંધીજીને પણ યાદ કર્યા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીજી બાલ વિવાહ, બહુ વિવાહ સામે લડતા રહ્યા હતા. તેમજ નારી સ્વાભિમાન માટે તેમણે સતત પ્રયત્ન કર્યા હતા. આજે પણ આર્ય સમાજ મહિલા સશક્તિકરણ માટે યોગદાન આપી રહ્યું છે. રાષ્ટ્રપતિએ રાજ્યપાલના પ્રાકૃતિક ખેતી માટેના યોગદાનને બિરદાવી ક્લાઈમેટ ચેન્જ સામેની લડતમાં પ્રાકૃતિક ખેતી ખૂબ ઉપયોગી સાબિત થશે તેમ જણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધનઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતી મહોત્સવ અંતર્ગત રાજ્યપાલે કહ્યું હતું કે, આર્ય સમાજ પોતાના પ્રારંભ કાળથી ભારતના ઉત્થાનનું કાર્ય કરતી આવી છે. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન આજ દિવસ સુધી કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજ, દલિત સમાજના લોકોને આગળ લઈ આવવા, માનવ માનવમાં રહેલા ભેદને દૂર કરવા જેવા કાર્યો આર્ય સમાજે કર્યા છે. અંગ્રેજો અને મૌગલો દ્વારા નિર્ધન બનાવવામાં આવ્યો હતો તે સમયે દેશમાં સ્વદેશવાદનો નારો દયાનંદ સરસ્વતી દ્વારા આપવામાં આવ્યો હતો. વેદોની પુનઃ સ્થાપનાનું કામ પણ મહર્ષિ દયાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવ્યું હતું.
ટંકારાને નગર પાલિકા મળશે તેવા સંકેતઃ મુખ્યપ્રધાને ગુજરાત પધારેલા રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત યુગ પુરુષ અને મહાપુરુષોની ભૂમિ છે. ભાલકા તીર્થ અને રામ વનવાસનો પણ ઉલ્લેખ મુખ્ય પ્રધાને તેમના ભાષણમાં કર્યો હતો. ટંકારા વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે અને ટંકારાને નગર પાલિકા મળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવતા ટંકારા પંથકમાં ખુશીની લહેર જોવા મળી હતી.
આર્ય સમાજ પોતાના પ્રારંભ કાળથી ભારતના ઉત્થાનનું કાર્ય કરતી આવી છે. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા બનાવવામાં આવેલા નિયમોનું પાલન આજ દિવસ સુધી કરવામાં આવી રહ્યું છે. આદિવાસી સમાજ, દલિત સમાજના લોકોને આગળ લઈ આવવા, માનવ માનવમાં રહેલા ભેદને દૂર કરવા જેવા કાર્યો આર્ય સમાજે કર્યા છે...આચાર્ય દેવવ્રત(રાજ્યપાલ)
ટંકારા વિકાસ માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે અને ટંકારાને નગર પાલિકા મળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે...ભુપેન્દ્ર પટેલ(મુખ્ય પ્રધાન)