ગાંધીનગરઃ કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર, પૂર્વ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને નવસારીના કોંગ્રેસના નેતા ધર્મેશ પટેલ અને મૂળુ કંડોરીયા બાદ આજે કોંગ્રેસને ચોથો મોટો ફટકો પડ્યો છે. માણાવદર સીટના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામુ આપ્યુ છે. તેમણે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના બંગલે જઈને વિધિવત રીતે રાજીનામું આપ્યુ છે. અરવિંદ લાડાણીના રાજીનામાથી કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં નામશેષ થઈ છે.
અરવિંદ લાડાણીએ રાજીનામુ આપતા જણાવ્યુ કે, મેં મારા મનના નિણર્યથી રાજીનામું આપ્યુ છે. મારા મતદારો, આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં રાજીનામું આપ્યુ છે. સત્તા સાથે હોઈએ તો કામમાં ઘણો ફેર પડે છે. માણાવદરથી પેટા ચુંટણી લડીશ.
કોણ છે અરવિંદ લાડાણી?: અરવિંદ લડાણી વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર માણાવદથી ચુંટાઈ આવ્યા હતાં. તેમણે પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાને હરવ્યા હતાં. જોકે તેઓ 2019ની પેટા ચૂંટણીમાં જવાહર ચાવડા સામે હાર્યા હતા. ખેડૂત પુત્ર અરવિંદ લાડાણી 35 વર્ષથી રાજનીતિમાં છે. જિલ્લા પંચાયતની મટીયાણા બેઠકના કાર્યકારી સભ્ય છે. 3 ટર્મ સુધી તાલુકા સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે.
રાહુલની યાત્રા અગાઉ કોંગ્રેસની ચોથી વિકેટ પડીઃ રાહુલ ગાંધીએ ભારત જોડો ન્યાય યાત્રામાં લોકોને જોડીને ન્યાય અપાવવાને બદલે કોંગ્રેસના નેતાઓને જોડવાની જરૂર છે. કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ સતત પાર્ટી છોડી રહ્યા છે. વીજાપુરથી સી.જે.ચાવડા, ખંભાતથી ચીરાગ પટેલ, પોરબંદરથી અર્જૂન મોઢવાડીયા અને આજે માણાવદરથી અરવિંદ લાડાણીએ રાજીનામુ આપ્યા છે. આગામી દિવસોમાં તેઓ વિધીવત રીતે ભાજપમાં જોડાશે તેવી સંભાવના છે. વિધાનસભામાં કોંગ્રેસનુ સંખ્યાબળ માત્ર 13 રહ્યુ છે.
સંજય કોરડીયાએ ઓપરેશન લાડાણી પાર પાડ્યુંઃ અરવિંદ લાડાણીએ આજે સાંજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના બંગલે જઇને રાજીનામુ આપ્યુ હતુ. રાજીનામાંનો પત્ર આપતા સમયે તેમની સાથે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા હાજર હતા. તેથી, સંજય તોરડીયાએ અરવીંદ લાડાણીનુ ઓપરેશન પાર પાડ્યુ હોવાની ચર્ચા છે.
વિધાનસભામાં ખેડૂતોના પશ્નો પુછીને સરકારને ભીસમાં લેતા હતાઃ અરવિંદ લાડાણી વિધાનસભામાં સતત ખેડૂતોના મુદ્દે સરારને ભીસમાં લેતા હતા. તેમણે ગત બજેટ સત્રમાં ખેડૂતોના પાક વીમા અંગે સવાલ પુછયો હતો. રાજ્ય સરકારે પોતાના હિસ્સાના પ્રમિયમની રકમ જમા કરાની ન હોવાનો જવાબ મળતા તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. હવે તેઓ ભાજપમાં જોડાઇને સરકારની વાહવાહી કરશે.
જવાહર ચાવડાનું શું થશે?: અરવિંદ લાડાણી અને જવાહર ચાવડા બન્ને માણાવદરમાં પકડ ધરાવતા નેતા છે. લાડાણીએ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપની ટિકિટ પરથી લડવાના હોવાનો સ્વીકાર કર્યો છે. જો અરવિંદ લાડાણી પેટા ચૂંટણી લડશે તો પૂર્વ કેબીનેટ મંત્રી જવાહર ચાવડાનું શું થશે તે મોટો સવાલ છે.