કચ્છ : અંજારમાં એક માથાભારે શખ્સની દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભારની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઇન્કાર કરતાં આરોપીએ મજૂરોના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભોગ બનનાર લોકોની ફરિયાદને આધારે અંજાર પોલીસે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
ઝુંપડપટ્ટી વિસ્તારમાં આગ : અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં રવિવારે સવારે આગ લાગતાં દસ જેટલા ઝૂંપડા બળીને ખાક થઈ ગયા હતા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા મજૂર પરિવારના 12 સદસ્યો બહાર નીકળી જતા તેમનો જીવ બચ્યો હતો. પરંતુ ઝુંપડામાં લાગેલી આગના કારણે તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ ઝુંપડા ઉપર રહેલી વીજ લાઈનને સ્પર્શતાં વીજ લાઈનમાં પણ ધડાકા થયા હતા. અંજાર ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ લાગવી અકસ્માત નહોતો ! જોકે આગ અકસ્માતે નહોતી લાગી પરંતુ ઈરાદાપૂર્વક આગ ચાંપી હોવાનો ખુલાસો થયો છે. હકીકતમાં અંજારના મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર મજૂરોને છૂટક મજૂરી કામ કરવા માટે ફરજ પાડતો હતો. કામ પૂર્ણ થયા બાદ મજૂરીના પૈસા પણ ઝુંટવી લેતો હતો. શનિવારે રાત્રે આરોપી મજૂરોને મજૂરી કરવા માટે કહેવા આવ્યો હતો. ત્યારે તમામ મજૂરોએ સંપ રાખીને રફીકને મજૂરી કરવા માટે ના પાડી હતી. જેના બદલામાં રફીકે મજૂરોને ઝૂંપડા સાથે જીવતા સળગાવી દેવાની ધમકી આપી હતી.
મજૂરોનો આબાદ બચાવ : અંજારના સ્થાનિક દિનેશ જોગીએ જણાવ્યું હતું કે, રવિવારે સવારે તમામ મજૂરો તેમના પરિવાર સાથે તેમના ઝુંપડામાં સૂતાં હતાં. ત્યારે રફીકે પેટ્રોલ જેવા જ્વલનશીલ પદાર્થ રેડીને ઝૂંપડાઓને આગ લગાડી દીધી હતી. મજૂરોને ધ્યાને આવતા તુરંત જ ઝુંપડા બહાર નીકળી ગયા હતા. મજૂરોના જણાવ્યા મુજબ આ આગની દુર્ઘટનામાં એક ઝૂંપડામાં એક બિલાડી અને તેનાં 7 બચ્ચાં જીવતા હોમાઈ ગયા હતા.
માથાભારે આરોપી જેલહવાલે : અંજાર DySP મુકેશ ચૌધરીએ ETV Bharat સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, આ ઘટના બાદ ઘટનાનો ભોગ બનેલા અને રોષે ભરાયેલા મજૂરો અંજાર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપી રફીક સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે રફીક સામે હત્યાના પ્રયાસ માટે કલમ 307, આગ લગાડવા માટે કલમ 436 અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ કલમ 506 (2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની ધરપકડ કરીને જેલહવાલે કરવામાં આવ્યો છે.