અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે, રાજકોટ-સુરત-વડોદરા-ભાવનગર-ગાંધીનગર દરેક રાજ્યમાં કાગડા કાળા જ છે. "પકડાય તે ચોર બાકી શાહુકાર" આ કહેવત વાસ્તવમાં તમામ ભ્રષ્ટાચારી બાબુઓને લાગુ પડે છે. રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ કેસના આરોપીઓમાં સૌથી વધુ કાયદાના ઘેરામાં કોઈ આવ્યું હોય તો તે મનસુખ સાગઠીયા છે.
એસીબીની ટીમે કરી ધરપકડ: આવો જ એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો એક ભ્રષ્ટાચારી કિસ્સો સામે આવ્યો છે. એ.એમ.સી.નો આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઑફિસર હર્ષદ ભોજક વચેટિયા 20 લાખની લાંચ લેતા એસીબી ટીમના હાથે ઝડપાયો છે. હર્ષદ ભોજક અને સરકાર માન્ય એન્જિનિયરની હાલ ગુજરાત એસીબીની ટીમે ધરપકડ કરી ભ્રષ્ટાચારનો દલ્લો શોધી કાઢવા અધિકારીઓએ પ્રયાસ શરૂ કર્યા છે. બીજી તરફ AMC ના ભ્રષ્ટ અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ACB ને શું મળી હતી ફરિયાદ ?: ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો પાસે અમદાવાદના એક નાગરિકે ફરિયાદ કરી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરની વડિલોપાર્જિત જમીનમાં આવેલી દુકાનો-મકાનો AMC દ્વારા તોડી પડાયા હતા. ડિમોલિશન બાદ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં એસીબીના ફરિયાદી અને મકાન-દુકાનના ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાનો હુકમ થયો હતો.
કુલ 60 લાખ રુપિયા લાંચ પેટે માગ્યા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જરૂરી પૂરાવા રજૂ કરવા જરૂરી હતા. ACB ના ફરિયાદીએ આશિષ કનૈયાલાલ પટેલ (સરકાર માન્ય એન્જિનિયર)નો સંપર્ક કર્યો હતો. આશિષ પટેલે ફરિયાદીને હર્ષદ ભોજકની મુલાકાત કરાવી હતી. કામ પેટે સૌ પ્રથમ હર્ષદ ભોજકે 50 લાખ માગ્યા હતા અને આશિષ પટેલના 10 લાખ અલગથી માંગ્યા હતા. ત્યારબાદ રકઝકના અંતે 20 લાખ રૂપિયા નક્કી થયા હતા, પરંતુ ફરિયાદીએ રકમ આપતા પહેલાં ACB ના અધિકારીઓનો સંપર્ક કરી લીધો હતો.
ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડ્યા: રૂપિયા 20 લાખ ભરેલી બેગ લઈને ACB ના ફરિયાદી અમદાવાદના આશ્રમ રોડ પર ચીનુભાઇ ટાવરની સામે આવેલા રત્ના બિઝનેસ સ્કવેર ખાતે પહોંચ્યા હતા. રત્ના બિઝનેસ સ્કવેર ખાતે અક્ષર સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રકચરની ઑફિસમાં બેસેલા આશિષ પટેલને ફરિયાદીએ 20 લાખ રૂપિયા આપ્યા હતા. 20 લાખ રૂપિયાના બંડલ ગણ્યા બાદ આશિષ પટેલે એએમસી પૂર્વ ઝોન (East Zone AMC) ના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને ફોન કરી લાંચ સંબંધિત વાતચીત કરી હતી. લાંચ સ્વીકારી હોવાનો સંદેશો મળતા ACB ની બે જુદીજુદી ટીમે આશિષ પટેલ અને હર્ષદ ભોજકને ઝડપી લઈ વિધિવત ધરપકડ કરી હતી.
ભ્રષ્ટાચારી એસ્ટેટ વિભાગમાં સન્નાટો: અમદાવાદ શહેરના 48 વૉર્ડ પૈકી એકપણ વૉર્ડ એવો બાકી નહીં હોય જ્યાં એએમસી એસ્ટેટ વિભાગની મહેરબાનીથી ગેરકાયદેસર બાંધકામ નહીં થયું હોય. ગુજરાત ACB એ કરેલી કાર્યવાહી બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટાચારી અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસ્ટેટ વિભાગના નાનાથી માંડી મોટા અધિકારીઓ હાલ કોઈની સાથે ફોન પર વાત કરવા પણ તૈયાર નથી. એક ચર્ચા એવી પણ છે કે, ભ્રષ્ટાચારી હર્ષદ ભોજક સાથે સંકળાયેલા કેટલાંક બાબુઓ ભ્રષ્ટાચારના પૂરાવા સગેવગે કરવા ભૂર્ગભમાં ઉતરી ગયા છે.