જામનગર: શહેરમાં સાધના કોલોનીમાં ગઇકાલે રાત્રે 11 વાગે બ્લોક નંબર 73 ના ત્રણ મકાનનો ભાગ એકાએક ધડાકાભેર તુટી પડતાં દોડાદોડી થઇ હતી. મકાન તુટવાની જાણ થતાં મેયર વિનોદ ખીમસુરીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, નગરસેવક પાર્થ કોટડીયા, ફાયર બ્રિગેડના સી.એસ. પાંડીયન સહિતના અધિકારીઓ તેમજ એસ્ટેટના અધિકારી નિતીન દિક્ષીતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ગુરઘટના સ્થળેથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. વહેલી સવારે 4 વાગ્યા સુધી પદાધિકારીઓ અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતાં.
વીંગનો અડધો હિસ્સો ધરાશાઇ થયો: જામનગરમાં ગત રાત્રે થયેલ દુર્ઘટનાની વિગત એવી છે કે, સાધના કોલોની વિસ્તારમાં આવેલા આવાસનો જર્જરીત અડધો હિસ્સો ધડાકાભર ધરાશાઈ થઈ ગયો હતો. જેનો અવાજ આવતાં આસપાસના રહેવાસીઓ જાગી ગયા હતા. આ બનાવને લઈને સાધના કોલોની વિસ્તારમાં ફરીથી ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસ તંત્ર પણ દોડતું થયું હતું અને જે વીંગનો અડધો હિસ્સો ધરાશાઇ થયો તેની ફરતે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
તંત્ર દ્વારા વધુ 5 બ્લોકના પાડતોડની કાર્યવાહી: જોકે રાહતની વાત એ છે કે, બિલ્ડીંગ અગાઉથી જ ખાલી કરાયું હોવાથી કોઈ જાનહાની થઇ ન હતી. આ બનાવની જાણ થતાની સાથે જ રાત્રે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, વિસ્તારના કોર્પોરેટર પાર્થ કોટડીયા સહિતના આગેવાનો દોડી ગયા હતા. બીજી બાજુ અગાઉથી નોટિસ અપાયા બાદ આજે તંત્ર દ્વારા વધુ 5 બ્લોકના પાડતોડની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.