ભાવનગર: શહેરમાં ધોળા દિવસે ગત 13 જૂનના રોજ બે સગા ભાઈઓ ઉપર ફાયરીંગની ઘટના બની હતી. આ બનાવમાં એક ભાઇનું સ્થળ પર મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બીજા ભાઈને હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જેનું લાંબા સમય બાદ મૃત્યુ થતા બનાવ ડબલ મર્ડરમાં પરિણમ્યો છે.
શું હતો બનાવ: ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં 13 જૂનના રોજ વિઠ્ઠલવાડીમાં રહેતા કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલાને રાહુલ નામના શખ્સો સાથે ઝઘડો થયો હતો. બનાવ સમયે આરોપીઓ ઝડપાયા બાદ વિઠ્ઠલવાડીની ફાયરિંગની ઘટનામાં DSP હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, રાહુલ વેગડ નામનો શખ્સ કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ સાથે કોઇ મનદુઃખ થતા ઝગડો કર્યો હતો.
ઝઘડામાં એક ભાઇ ઇજાગ્રસ્ત અને એકનું મોત: આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા રાજુ વેગડ, રાહુલ વેગડ અને યશ અલાણીએ ઘાતક હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં રાજુ વેગડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં. સ્થળ ઉપરથી બંદૂકની ગોળીની ખાલી ત્રણ કારતૂસ મળી આવી હતી. બનાવ બાદ પોલીસે ત્રણેય આરોપી રાજુ વેગડ, રાહુલ વેગડ અને યશ અલાણીને ઝડપી લીધા છે. આ બનાવ સમયે કુલદીપસિંહ ઝાલાનું મૃત્યુ થયું હતું. જ્યારે એક ભાઇ ઇજાગ્રસ્ત થયો હતો.
બીજા ભાઈનું સારવાર બાદ લાંબા સમયે અવસાન: વિઠ્ઠલવાડી ફાયરીંગ મામલો હત્યામાં પરિણમ્યા બાદ બીજા ભાઈ ઋતુરાજસિંહ ઝાલાને હોસ્પિટલ ખસેડાયો હતો. જેમાં ઋતુરાજસિંહને ગંભીર ઇજા હોવાથી લગભગ એક મહિના કરતા વધુ સમય પછી ઋતુરાજસિંહ ઝાલાનું પણ મૃત્યુ થયું છે. જેથી સમગ્ર મામલો ડબલ મર્ડરમાં પરિણમ્યો છે. જો કે, પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ક્ષત્રિય સમાજે બનાવને લઈને નીલમબાગ પોલીસ સ્ટેશન રજુઆત કરકે પહોચ્યા હતા.