વલસાડઃ જિલ્લાની આંગણવાડીઓમાં વર્કર અને હેલ્પર તરીકે કામ કરતી 300થી વધુ બહેનો દ્વારા આજે તેમની પડતર માંગણીઓને લઈને એક વિશેષ આવેદનપત્ર જિલ્લા કલેકટર કચેરીએ આપ્યું હતું. આંગણવાડી કર્મચારીઓ અને હેલ્પરો ને પડતી માનસિક મુશ્કેલીઓ અને કામના કલાકો નક્કી કરવા સાથે જ મિનિમમ પગાર નક્કી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. વલસાડના કલ્યાણબાગ ખાતેથી એક રેલી જિલ્લા કલેકટર કચેરી સુધી લઈ જઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
રાજકોટ: આજે મોટી સંખ્યામાં આંગણવાડી કર્મચારીઓ શહેરના જયુબીલી ગાર્ડન ખાતે એકઠા થયા હતા. અહીંયા ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. જ્યારે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી મહિલા કર્મચારીઓની માંગ છે કે તેમને લઘુતમ વેતન આપવામાં આવે. વારંવાર આંગણવાડી મહિલા કર્મચારીઓ દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ હજુ સુધી આ મામલે કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી. જેને લઇને આજે મોટી સંખ્યામાં આંગણવાડી મહિલા કર્મચારીઓ એકઠા થઈ હતી અને ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. જ્યારે હજુ પણ સરકાર દ્વારા તેમની માંગણી પૂર્ણ નહીં કરે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેવી ચીમકી પણ આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
ધોરાજીઃ અંદાજે 100થી પણ વધારે આંગણવાડી કર્મચારીઓ એક્ઠા થઈને સરકાર સામે બાયો ચડાવી હતી. ધોરાજીના બાવલા ચોક પાસે આવેલ જનતા બાગમા સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મહિલાઓ કર્મચારીઓએ રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. સાથે 2 દિવસ તેમની તમામ પ્રકારની કામગીરી બંધ રાખી વિરોધ દર્શાવામાં આવશે. આ સાથે જો આગામી સમયમા સરકાર કોઈ નક્કર પરિણામ નહિ આપે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ છે.
નવસારીઃ જિલ્લામાં 1300 થી વધુ આંગણવાડીઓ આવેલ છે. નવસારીના 6 તાલુકાના કુલ 10 ઘટકોમાં અંદાજે 49 હજારથી વધુ બાળકો આંગણવાડીઓમાં આવતા હોય છે. જેમને સવારે પોષણક્ષમ નાસ્તો અને બપોરે ભોજન કરાવવામાં આવે છે. જેના માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જો કે સરકારી તંત્રની નીતિરીતીને કારણે SC બાળકો માટેની ગ્રાન્ટ 4થી 14 મહિના સુધી આવી નથી. એક બાળક પાછળ મહીને જે ખર્ચ આપવામાં આવે છે એ 'પૈસા'માં હોય છે અને એની સામે ખર્ચ 'રૂપિયા'માં થતો હોય છે. આ સમસ્યાથી રોષે ભરાયેલ મહિલા કર્મચારીઓએ 16 અને 17 ફેબ્રુઆરી આંગણવાડીને તાળા મારી નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે ભેગા મળી સરકાર સામે સુત્રોચ્ચાર કરી રોષ ઠાલવ્યો હતો. સાથે જ સરકાર દ્વારા વહેલી તકે ગ્રાન્ટ ફાળવવામાં આવે અને તમેના પડતર પ્રશ્નોનું પણ હકારાત્મક નિવારણ લાવે એવી માંગ કરી હતી.
આંગણવાડી કર્મચારીઓની સમસ્યાઓઃ આંગણવાડી કર્મચારીઓનો પગાર 10 હજાર રૂપિયા છે. જેમાં ઘણી આંગણવાડીઓમાં મહીને 5 હજારથી વધુનો ખર્ચ થાય છે. કર્મચારીઓ આંગણવાડીના બાળકોને ખવડાવે કે પોતાનો ખર્ચ કાઢે. વાંરવાર જિલ્લાથી સચિવાલય સુધી રજૂઆતો કર્યા બાદ પણ રાજ્ય સરકારમાંથી ગ્રાન્ટ ન ફાળવતા આંગણવાડી મહિલાઓની ધીરજ ખૂટી ગઈ છે. ગ્રાન્ટના અભાવને કારણે મહિનાઓથી બીલ પાસ ન થતા આંગણવાડી કર્મચારીઓને આર્થિક મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. સાથે જ આંગણવાડી મહિલાઓના મોબાઈલ ફોન, મોબાઈલ બીલ, કાયમી કરવા, પ્રમોશન જેવા અનેક પડતર પ્રશ્નો ઉપર પણ સરકાર ધ્યાન આપી રહી નથી.