આણંદ:છેલ્લાં કેટલાય સમયથી આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પાના વધી રહેલા વેપારને જોતા પોલીસ દ્વારા આ સ્પાના ધંધાની આડમાં કોઈ અવેધ પ્રવૃત્તિતો નથી ચાલતી ને તે અંગે વોચ ગોઠવવામાં આવી હતી. અને ત્યારબાદ આણંદ SOG પોલીસને બાતમી મળી હતી કે એલિકોન પાસે આવેલ એક ક્રિષ્ના કોર્નર નામના કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે આવેલ ROLEX FAMILY SPAમાં સ્પાની જગ્યાએ દેહ વેપારનો ગોરખ ધંધો ચાલે છે.
SOG પોલીસે કરી રેડ: બાતમી મળતા જ SOG પોલીસે ડમી ગ્રાહક મોકલીને ખાતરી કરી હતી. અને પોલીસે રેડ પાડી હતી. રેડ પાડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ROLEX SPAમાં પોલીસને 6 વિદેશી યુવતીઓ અને 2 મહારાષ્ટ્રની યુવતીઓ મળી આવી હતી. જેમાં 5 થાઇલેન્ડ અને એક યુવતી કેન્યાની હોવાનું સામે આવ્યું હતું. જ્યારે અન્ય બે યુવતીઓ મહારાષ્ટ્રથી અહીં આવી હતી. આ સાથે પોલીસે 8 જેટલા ગ્રાહકોને પણ ઝડપી લીધા હતા. SOG પોલીસે સ્થળ પરથી એક સંચાલકની પણ અટકાયત કરી છે. જે આ ઇન્ટરનેશનલ દેહ વેપારનો કાળો કારોબાર ચલાવતો હતો. સમગ્ર ઘટના અંગે પોલીસે કરેલી કાર્યવાહીને લઈને સ્થાનિકોના ટોળા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
વિદેશી યુવતીઓ કાળા કરોબારમાં જોડાઈ: SOG પોલીસે સ્પા પર રેડ કરીને પકડેલી વિદેશી યુવતીઓને જ્યારે ઈન્ટરોગેટ કરવા પ્રયત્ન કર્યો. ત્યારે તે યુવતીઓ તેમની ભાષામાં જવાબ આપતા હતા. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી સમજવામાં આ યુવતીઓને તકલીફ પડતી હોવાનું જણાતા પોલીસે વાતચીત વધુ સરળ બનાવવા માટે દો ભાષીયાની મદદ લેવાની જરૂર પડી હતી. પોલીસ પાસેથી મળેલી પ્રાથમિક માહિતી મુજબ આ યુવતીઓ તેમના દેશથી વિઝીટર વિઝા પર ભારત આવી હતી. અને ત્યારબાદ આ કાળા કારોબારમાં જોડાઈ ગઈ હતી.
વિદેશી યુવતીઓ આણંદ સુધી પહોંચી કેવી રીતે?: નવા કાયદા મુજબ કઈ કલમો દાખલ કરવી, અને વિદેશી અપરાધિઓ સાથે ક્યા કાયદા હેઠળ ગુનો દાખલ કરવો તે મામલે પોલીસે અભ્યાસ શરુ કર્યો છે. સાથે નવા કાયદા પ્રમાણે વિડિઓગ્રાફી સાથે રેડ અને પંચનામું કરવા પ્રક્રિયા હાથ ધરી હતી, સાથે વિદેશી યુવતીઓ આણંદ સુધી પહોંચી કેવી રીતે? અને તેમને વિઝિટર વિઝા પર બોલાવી આ પ્રવૃત્તિમાં સામેલ કરવામાં ભાગ ભજવ્યો હતો તે અંગે ઊંડાણ પૂર્વકની તાપસ હાથ ધરવામાં આવે તો મોટા ખુલાશા થવાની સંભાવના વધી જાય છે.